ભારતમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસો ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના અત્યાર સુધી સૌથી વધુ 69,652 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 લાખની પાર થઈ ચૂકી છે. આટલું નહી, દેશમાં છેલ્લા એક દિવસમાં દેશમાં 977 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.
આ દરમિયાન દેશમાં પ્રથમ વખત કોરોનાનો પોઝિટિવટી રેટ નીચે ઉતરતો જોવા મળી રહ્યો છે. એટલે કે, ટેસ્ટિંગ વધવા છતાં પણ સંક્રમિતોની સંખ્યા ઓછી સામે આવી રહી છે.
જણાવી દઈએ કે, 9 ઓગસ્ટ સુધી દેશમાં પોઝિટિવિટી રેટ 9 ટકાની આસપાસ હતો. જો કે બાદમાં આ દર સતત ઘટતો રહ્યો છે. મંગળવાર સુધીના આંકડાની વાત કરીએ, આ દર 8.72 ટકા રહી ગયો છે. આ પ્રકારે હવે દરરોજ મળનારા સંક્રમિતોના આંકડામાં સ્થિરતા આવી છે. હાલ ભારતમાં કોરોનાના કેસ બમણાં થવાનો દર 30 દિવસની આસપાસ છે.