ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ઉપરાંત વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારી અત્યારથી જ કરી રહ્યાં છે. તેમણે એવો નિર્દેશ આપ્યો છે કે ભાજપ તેની તાકાત પર 182 બેઠકો પર વિજય હાંસલ કરશે, જેમાં કોંગ્રેસના કોઓઇ આયાતી ઉમેદવારોને સ્થાન આપવામાં નહીં આવે.
સીઆર પાટીલના અતિ આત્મવિશ્વાસ સામે આંગળી ચિંધાઇ રહી છે, કેમ કે સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી ભાજપના ફાળે માત્ર માત્ર 19 બેઠકો આવી છે. સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન તેમણે પાર્ટીના પ્રદેશ નેતાઓને ચોંકાવી દે તેવા નિવેદનો કર્યા છે પરંતુ તેઓ તમામને સાથે રાખી શકે છે કે કેમ તે પ્રશ્ન છે. સીઆર પાટીલનો લિટમસ ટેસ્ટ તો ત્યારે થશે કે જ્યારે રાજ્યમાં જિલ્લા-તાલુકા પંચાયત, પાલિકા અને મહાનગરોની ચૂંટણી આવશે. પાંચ વર્ષ પહેલાં આ ચૂંટણીઓમાં ભાજપનો ઘબડકો થયો હતો.
પ્રદેશ ભાજપના ટોચના સૂત્રોએ કહ્યું હતું કે સ્થાનિક ચૂંટણીઓ સાથે પ્રદેશ પ્રમુખ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની પણ તૈયારી કરી રહ્યાં છે. પ્રદેશ માળખામાં કોને કોને સમાવવા અને વિધાનસભામાં બેઠકદીઠ ક્યા ક્યા ઉમેદવારો છે તેનો ક્યાસ તેઓ કાઢી રહ્યાં છે.
આ વખતની ચૂંટણીમાં જો તેમનું પત્તુ કામ લાગશે તો ભાજપ સમગ્ર ચૂંટણી તેના કાર્યકરો અને પ્રદેશ નેતાઓની મદદથી લડશે. સીઆર પાટીલના કહેવા પ્રમાણે તેઓ કોંગ્રેસના એકપણ નેતાને વિધાનસભાની ટિકીટ આપવાના મતના નથી. જો હાઇકમાન્ડ તેમના આ નિર્ણયનો સ્વિકાર કરશે તો આવનારી ચૂંટણીઓમાં ભાજપ તરફથી માત્ર ભાજપના જ ઉમેદવારો ચૂંટણી લડશે.
સૌરાષ્ટ્રના પ્રવાસ માટેના કારણોમાં એવું સામે આવ્યું છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાજપનો દેખાવ નબળો રહ્યો છે. કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ 28 બેઠકો મળી હતી. સૌરાષ્ટ્રની 48 બેઠકોમાં કોંગ્રેસને સૌથી વધુ મતો મળ્યા હતા. કોંગ્રેસના ગઢને તોડવા માટે સીઆર પાટીલ તેમની પાર્ટીના કાર્યકરો અને આગેવાનોને તૈયાર કરી રહ્યાં છે.
પાર્ટી સૂત્રો કહે છે કે 1995 પછીની ચૂંટણીઓમાં કોંગ્રેસના 125 થી વધુ પૂર્વ ધારાસભ્યો અને 20થી વધુ પૂર્વ સંસદસભ્યો અત્યારે ભાજપમાં છે. એ ઉપરાંત કોંગ્રેસના અઢી લાખથી પણ વધુ સમર્થક કાર્યકરો ભાજપમાં આવી ચૂક્યાં છે. જે આવ્યા છે તેમને ડિસ્ટર્બ કર્યા વિના પ્રદેશ પ્રમુખ હવે કોંગ્રેસમાંથી કોઇપણ નેતાને ભાજપમાં લેવાના મૂડમાં નથી.
સામાન્ય રીતે પ્રદેશ પ્રમુખને ગુજરાતના ચાર ઝોનના કાર્યકરો ઓળખતા હોવા જોઇએ. સીઆર પાટીલને પણ તમામ કાર્યકરો ઓળખે તે માટે તેમણે ગુજરાતની સફર શરૂ કરી છે. આ સફરમાં તેઓ અનેક સંકેતો આપી રહ્યાં છે. પાર્ટીના સિસ્તબદ્ધ સૈનિકોને ચાર્જ કરવા તેઓ આયાતી ઉમેદવારોને ટાળવાનો સંદેશો આપી રહ્યાં છે તેથી પાર્ટીના કાર્યકરોને એવું લાગ્યું છે કે હવે ચૂંટણીઓમાં તેમનો ચાન્સ લાગશે. આ કારણથી જ સીઆર પાટીલને રાજ્યના વિવિધ ઝોનમાં આવકાર મળી રહ્યો છે.