ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓના વિકાસની સાથે ફેકલ્ટીના જ્ઞાનમાં પણ નવીનતાસભર વધારો થાય તે હેતુસર વિવિધ વિષયોને સાંકળીને ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. આગામી તારીખ 24 થી 28 ઓગસ્ટ સુધી “સર્જનાત્મકતા, નવીનતા તેમજ ઉદ્યોગસાહસિકતા અને શિક્ષણમાં તેની સંબંધિતતા” વિષય પર 5 દિવસીય ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ(એફડીપી)નું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે.
જીટીયુ અને અટલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા થઇ રહેલા આ આયોજનમાં અધ્યક્ષ સ્થાને જીટીયુના કુલપતિ નવીન શેઠ, મુખ્ય મહેમાન તરીકે માર્ગ અને પરિવહન અને માઈક્રો સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ) મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ગેસ્ટ ઓફ ઓનર તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને એઆઈસીટીઇના ચેરમેન પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે ઉપસ્થિત રહેશે.
પાંચ દિવસ સુધી ચાલનારી આ ઓનલાઇન એફડીપીમાં જુદી-જુદી શાખાઓના 14 વિષય તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જીટીયુ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર, રાજકોટ અને અટલ ટ્રેનિંગ એન્ડ લર્નિંગ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે યોજાતી આ ઓનલાઈન એફડીપીમા મુખ્ય અતિથિ ઇનૉવેટર્સ અને ઉદ્યોગ સાહસિકોને “ઈન્ડિયાઝ નોવેલ હોરિઝોન ટુવર્ડ્સ ઈંડિજીનસ ટ્રાન્સીટ” વિષય પર સંબોધશે.
દેશમાં અટલ એકેડમી દ્વારા 494 માંથી 23 એફડીપી ગુજરાતને ફાળવવામાં આવી છે. જીટીયુ દ્વારા આ અંતર્ગત સૌપ્રથમ એફડીપીનું આયોજન કરીને ગુજરાતમાં શરૂઆત કરાશે. જેમાં ડિઝાઇન, ક્રીએટિવિટી, ઇનોવેશન અને સમસ્યાના નિરાકરણ માટે ઉદ્યોગ સાહસિકોની પ્રગતિ માટે પ્રોત્સાહન મળી રહે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જીટીયુના ફેસબુક પેજ પર કરવામાં આવશે.