ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સમયસર યોજવા માટે ફરી એકવાર ભાજપે તૈયારી શરૂ કરી છે. કોરોના સંક્રમણના સમય વચ્ચે પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની રેલીઓ અને સભાઓ તેમજ સરકાર દ્વારા વિવિધ શહેરો અને જિલ્લાઓ માટે આર્થિક પેકેજની જાહેરાતો એવો નિર્દેશ આપે છે કે આવનારા નવેમ્બર અને ડિસેમ્બરમાં આ ચૂંટણીઓ યોજાશે.
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ ક્યારે કરવી તે ગુજરાતના ચૂંટણી પંચે નક્કી કરવાનું છે અને તેમાં કેન્દ્રીય ચૂંટણી પંચનો કોઇ રોલ નથી. એક તરફ રાજ્યમાં આઠ બેઠકો માટે વિધાનસભાની યોજાનારી પેટાચૂંટણીની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે ત્યારે સ્થાનિક ચૂંટણી સમયસર યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચને જાણ પણ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં 230 તાલુકા પંચાયતો, 31 જિલ્લા પંચાયતો, 56 નગરપાલિકા તેમજ છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ નિર્ધારિત છે. આ ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચ સપ્ટેમ્બરમાં નોટિફિકેશન બહાર પાડે તેવી સંભાવના છે, કારણ કે નવેમ્બર અને ડિસેમ્બરમાં તમામ સ્થાનિક ચૂંટણીઓ પૂર્ણ કરવાની થાય છે. આ જ સમયમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ પણ આવી શકે છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઝોન પ્રમાણે મુલાકાતો, સરકારની વિવિધ યોજનાઓની જાહેરાતો દર્શાવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પાર્ટીનું સંગઠન પેટાચૂંટણી સાથે સ્થાનિક ચૂંટણીઓ યોજવા માટે મક્કમ છે. જો કે ચૂંટણી પંચને એવી દહેશત છે કે ગુજરાતમાં જો આ વર્ષે ચૂંટણીઓ યોજાશે તો મતદાની ટકાવારી ખૂબ ઓછી રહેવા સંભવ છે. પંચના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે કોરોના સંક્રમણના કારણે મતદારો મત આપવા માટે મોટી સંખ્યામાં બહાર નિકળી શકે તેમ નથી.
સામાન્ય રીતે રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નેતાઓ અને કાર્યકરો ગમે તેટલી મહેનત કરે પરંતુ મતદારોને તેઓ આકર્ષી શકશે નહીં, કેમ કે લોકોમાં કોરોનાનો ડર છે. મતદાન મથક પર ગમે તેટલી આરોગ્યની કાળજી લેવામાં આવે, મતદાન પર ગંભીર અસર થવાની દહેશત છે. જો કે સરકાર એવું ઇચ્છતી નથી કે સ્થાનિક સંસ્થાઓની મુદ્દત પૂર્ણ થતાં વહીવટદારનું શાસન આપવું. સરકાર ખુદ ચૂંટણી કરાવવાના મૂડમાં છે તેથી ચૂંટણી પંચને તૈયારી કરવા ભલામણ કરી છે.
2015માં જ્યારે સ્થાનિક ચૂંટણીઓ થઇ હતી ત્યારે તે સમયે આનંદીબહેન પટેલનું શાસન હતું અને તેમાં ભાજપને ઘણી બઘી જિલ્લા-તાલુકા પંચાયતો ગુમાવી હતી. ગ્રામીણ વિસ્તારમાં ભાજપના ઉમેદવારોનું ધોવાણ થયું હતું પરંતુ શહેરમાં ભાજપે તેની પક્કડ જાળવી રાખી હતી. આ વખતે કોંગ્રેસે શહેરી મતદારો ઉપર મોટો મદાર બાંધ્યો છે, જ્યારે ભાજપે ગ્રામીણ વિસ્તારમાં પક્કડ વધારવાના પ્રયાસો શરૂ કર્યા છે.