ગાંધીનગર — ગુજરાત ભાજપમાં નવો બદલાવ આવ્યો છે જેને પાર્ટીના જૂના કાર્યકરો 25 વર્ષ પહેલાંની સિદ્ધાંત અને કેડરબેઝ પાર્ટીના રૂપમાં જોઇ રહ્યાં છે. સીઆર પાટીલે પદ સંભાળ્યા પછી અત્યાર સુધીમાં તેમણે 10 એવા નિર્ણયો લીધા છે કે જે હાલના ભાજપને પચવામાં ભારે લાગી રહ્યાં છે.
પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યા પછી ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાતને જોતાં સીઆર પાટીલ પાર્ટીના કાર્યદક્ષ કાર્યકરોને એકજૂથમાં રાખીને કોંગ્રેસ મુક્ત ભાજપનો ખ્યાલ ધરાવતા હોય તેવી છાપ ઉપસી આવી છે પરંતુ અત્યારે ભાજપના ખેતરમાં ભેલાણ થઇ ગયું છે.
કોંગ્રેસમાંથી આવેલા અને સીધી મંત્રી બની ચૂકેલા નેતાઓથી સરકાર પરેશાન છે ત્યારે પાર્ટી પ્રમુખનો દાવ સફળ થાય તેવા સંકેતો મળી રહ્યાં છે. સાંસદ બન્યાં પછી સીઆર પાટીલ હાઇકમાન્ડની વધારે નજીક સરકી ગયા છે જેનો તેમને આ શિરપાવ મળ્યો છે. પાર્ટીમાં ઘૂસેલાં દૂષણને દૂર કરવાના ખ્વાબ તેઓ ધરાવે છે. પાર્ટીનું હાઇકમાન્ડ તેમને નવા બદલાવમાં કેટલો છૂટો દોર આપે છે તેના પર પાટીલની સફળતા નિર્ભર છે.
અત્યારે ભાજપમાં 35 ટકા ફાલ કોંગ્રેસમાંથી આવ્યો છે જેને એકસાથે કાઢવો મુશ્કેલ છે પરંતુ નામૂમકીન નથી. 2022ની વિધાનસભાની ચૂંટણી સુધીમાં મૂળ ભાજપ સાથે જોડાયેલા સિસ્તબદ્ધ જૂના કાર્યકરો અને નેતાઓને ટિકીટ મળે તેવી પાટીલ ઇચ્છા ધરાવે છે.
એક મહિનામાં તેમણે સૂચવેલા સુધારા અને આદેશને જોવામાં આવે તો તેઓ સરકાર અને પાર્ટીમાં નવાજૂની કરવાના અણસાર આપી જાય છે. તેમના પ્રમુખપદનો લિટમસ ટેસ્ટ આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છે, જેની પર હાઇકમાન્ડની બારીકાઇથી નજર છે. જો હાઇકમાન્ડ સીઆર પાટીલના બદલાવને સ્વિકારે તો ગુજરાતમાં 1990 થી 1995ના ભાજપનો ઉદય થશે અને જો અસ્વિકાર કરશે તો ભાજપમાં કોંગ્રેસનું ભેલાણ ચાલુ રહે તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે સીઆર પાટીલે પદ સંભાળ્યા પછી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું માર્ગદર્શન માગ્યું હતું. તેઓ કેશુભાઇને મળ્યા હતા અને તેમની પાસેથી કેટલીક સલાહ લીધી છે. ઓરીજનલ ભાજપ પાછું આવે તે પાર્ટીના જૂના અને સિનિયર કાર્યકરો ઇચ્છી રહ્યાં છે, કેમ કે કોંગ્રેસના નેતાઓને જીતાડવાના કામમાં તેઓ પાછા પડી રહ્યાં છે.