ગુજરાતમાં ઉદ્યોગ નીતિની જાહેરાત કર્યા પછી રાજ્ય સરકાર કૃષિ નીતિ બનાવવાની તૈયારી કરી રહી છે જેમાં કૃષિ તજજ્ઞો અને કૃષિ ક્ષેત્રના અધિકારીઓના સૂચનો સ્વિકારવામાં આવ્યા છે. આ પોલિસીમાં મોટો ફાયદો એવો છે કે સરકાર પાસે પડી રહેલી બિન ઉપજાઉ જમીનનો ઉપયોગ કરવાના વિકલ્પો છે. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
ગુજરાતમાં ઉદ્યોગ સેક્ટરમાં મૂડીરોકાણ આકર્ષવામાં આવે છે તેમ હવે કૃષિ વિભાગમાં મૂડીરોકાણ આકર્ષવાની ઓફરો મૂકવામાં આવી છે. રાજ્યમાં દર બે વર્ષે ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ થાય છે તેમ ફરીથી દર બે વર્ષે વાયબ્રન્ટ એગ્રીકલ્ચર સમિટ યોજવા માટેની રૂપરેખા બનાવ.
ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન હતું ત્યારે 2005માં કૃષિ ક્ષેત્ર માટે અનેક પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ સામૂહિક રીતે પ્રોત્સાહનો 15 વર્ષ પછી આપવામાં આવનાર છે. કૃષિ નીતિ માટે રાજ્યના કૃષિ મંત્રી આરસી ફળદુ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલની હાજરીમાં કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભારતીય કિસાન સંઘના નેતાઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃષિ પોલિસીને લગતા અનેક પાસાની ચર્ચા કરવામાં આવી હતી.
ખેડૂતોને મોટો ફાયદો જમીનનો થવાનો છે. સરકાર પાસે જે બિન ઉપજાઉ જમીન પડી રહી છે તે પૈકી એક હેક્ટર થી 25 હેક્ટર સુધીની જમીન ખેડૂતોને આપીને તે જમીન પર કૃષિ ઉત્પાદન શરૂ કરવામાં આવશે. જે ખેડૂતો સરકારી જમીન ખેડવા માટે લીઝ પર લેશે તેમને સરકાર તરફથી વીજ જોડાણ અને પાણીના જોડાણની સુવિધા આપવામાં આવશે.
કૃષિ નીતિમાં ગુજરાતનું કૃષિ ઉત્પાદન 2023 સુધી બમણું કરવાની રૂપરેખા દર્શાવવામાં આવી છે, એ ઉપરાંત ખેડૂતોને લાભકારી યોજનાઓ, સબસીડીની યોજનાઓ તેમજ સરકારી આર્થિક સહાયની બાબતોનો પણ સમાવેશ કરવામાં આવનાર છે. કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે કૃષિ નીતિ અંગે હજી ડ્રાફ્ટ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ટૂંકસમયમાં આ પોલિસી ખેડૂતો માટે મૂકવામાં આવશે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કૃષિ વિષયક યોજનાઓની હાઇલાઇટ્સ પણ સામેલ કરવામાં આવશે.