ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઘણા એવા રાજ્યો છે જ્યાં સંક્રમણની સ્થિતિ વિસ્ફોટક બની રહી છે. મંગળવારે દેશમાં કોરોના વાયરસના ઇન્ફેક્શનની કુલ સંખ્યા 32 લાખને પાર કરી ગઈ છે. તે જ સમયે, કોરોનાને કારણે 59 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
ભારતીય તબીબી સંશોધન (ICMR) ના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે મંગળવારે કહ્યું કે, દેશમાં કોરોનાના ઝડપીથી વધવાના કેટલાક મોટા કારણો છે. તેમણે કહ્યું કે, કેટલાક બેજવાબદાર લોકો માસ્ક ન પહેરતા હોવા અને સોશિયલ ડિસ્ટનસિંગ ન રાખવાને કારણે ભારતમાં કોરોના વાયરસ મહામારી વધી રહી છે. ભાર્ગવે એમ પણ કહ્યું હતું કે આઇસીએમઆરએ બીજો રાષ્ટ્રીય સીરો સર્વે શરૂ કર્યો છે જે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં પૂર્ણ થશે.
એક પ્રેસ બ્રીફિંગમાં, ભાર્ગવે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, હું એમ નહીં કહીશ કે યુવાન કે વૃદ્ધ લોકો આમ કરી રહ્યા છે, હું એમ કહીશ કે બેજવાબદાર, ઓછા જાગૃત લોકો માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન નથી કરતા તેના કારણે ભારતમાં મહામારી વધી રહી છે. તેમણે કહ્યું કે, છેલ્લા રાષ્ટ્રીય સીરો સર્વેના સમગ્ર અહેવાલની બે વાર સમીક્ષા કરવામાં આવી છે અને આ અઠવાડિયાના અંતમાં તેને ભારતીય મેડિકલ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત કરી શકાય છે.