ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમની ટીમ ગુજરાતની જાહેરાત ટૂંકસમયમાં કરે તેવી સંભાવના છે. તેઓ હાઉસિંગની કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી ગયા છે પરંતુ ગુજરાતના સંગઠનની રચના બાબતે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે. નવી ટીમમાં તેઓ એક વ્યક્તિ એક હોદ્દાના આગ્રહી હોવાથી તે ફોર્મ્યુલા પર કામ કરે તેમ મનાઇ રહ્યું છે.
પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાત ભાજપના નવા માળખાની રચના હવે હાથવેંતમાં છે. પાટીલની દિલ્હી મુલાકાત પછી ગમે તે સમયે પ્રદેશ માળખું જાહેર થઇ શકે છે. સંગઠનમાં ધારાસભ્યો કે સંસદસભ્યોની નિયુક્તિ હશે તો તેને દૂર કરવામાં આવશે, કારણ કે સીઆર પાટીલ એક વ્યક્તિ એક હોદ્દાની ફોર્મુલા લાવી રહ્યાં છે. ક્લિન અને પ્રભાવશાળી નેતાઓનો ટીમ ગુજરાતમાં સમાવેશ કરાય તેવી શક્યતા છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનો હોદ્દો સ્વિકાર્યા પછી સીઆર પાટીલે અનેક બોલ્ડ નિર્ણયો લીધા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિયુક્તિમાં જેમણે પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું છે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો ત્વરીત નિર્ણય તેમણે લીધો છે. પ્રદેશ માળખું જાહેર થાય તે પહેલાં પાટીલે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પ્રવાસ કર્યો છે. તેઓ જિલ્લા સંગઠનની નિયુક્તિને પણ બારીકાઇથી જોઇ રહ્યાં છે.
નવી દિલ્હીમાં કેન્દ્રની હાઉસિંગ કમિટીમાં ચેરમેન હોવાથી તેઓ તે બેઠકમાં હાજરી આપવાના છે. તેમના દિલ્હી પ્રવાસ દરમ્યાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળે તેમ છે. તેમની મુલાકાત પછી ગુજરાત ભાજપના સંગઠનમાં પરિવર્તન આવે તેવી અટકળો તેજ બની છે. વન મેન વન પોસ્ટની ફોર્મુલા બાબતે તેઓ હાઇકમાન્ડનું માર્ગદર્શન મેળવીને તેમની ટીમની જાહેરાત તેઓ કરી શકે છે.
દરમ્યાન, ગુજરાત ભાજપની સત્તાવાર વેબસાઇટ પર સ્ટેટ ઓફિસ બેરર્સની યાદીમાં તમામ સભ્યોના નામ હટાવી દેવામાં આવ્યા છે. પ્રેસિડેન્ટમાં સીઆર પાટીલનું નામ છે. વાઇસ પ્રેસિજેન્ટમાં રમીલા બારા, સ્ટેટ જનરલ સેક્રટેરીમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટ, સ્ટેટ સેક્રેટરીમાં નૌકાબેન પ્રજાપતિ, ટ્રેઝરરમાં સુરેન્દ્ર પટેલ અને ઓફિસ સેક્રેટરીમાં પરેશ પટેલનું નામ છે. જો કે વિવિધ મોરચાના પ્રમુખ અને સ્ટેટ એક્ઝિક્યુટીવ મેમ્બર્સના નામો પ્રદર્શિત કરવામાં આવેલા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જ્ઞાતિને નહીં વિસ્તારને પ્રતિનિધિત્વ આપ્યું છે ત્યારે ઓફિસ બેરર્સમાં પણ પ્રદેશ પ્રમુખ વિસ્તાર ઉપરાંત જ્ઞાતિને પ્રાયોરિટી આપે તેમ લાગી રહ્યું છે. તેઓ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદને પ્રાધાન્ય આપનાર છે. બીજી તરફ સંગઠનમાં ઓબીસી, પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ, એસસી અને એસસી જ્ઞાતિને સ્થાન મળે તેવી સંભાવના છે.