ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોની ગંભીર નોંધ લઇને રાજ્યના ચીફ સેક્રટેરી અનિલ મુકિમે કારખાનાઓ દ્વારા સલામતીની આવશ્યક સૂચનાઓનું પાલન સુનિશ્ચિત કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યાં છે અને કહ્યું છે કે કામદારોની સલામતી માટે અવારનવાર ચેકીંગ કરવું જરૂરી છે.
ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં મજૂર અને રોજગાર વિભાગની એક બેઠક મળી હતી જેમાં ફેક્ટરીઓમાં કામદારોની સલામતી અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી અને નિયમોનું સમયસર પાલન થાય તે માટે અનિલ મુકિમે અધિકારીઓને તાકીદ કરી હતી. કસૂરવાર ફેક્ટરીના સંચાલક સામે પગલાં લેવા પણ તેમણે જણાવ્યું છે.
આ બેઠકમાં જોખમી રસાયણોના ઉત્પાદન, સંગ્ર અને આયાત માટેની સ્થળ પરની સાઇટ ઇમરજન્સી યોજનાઓની સલામતી, ઇમરજન્સી પ્લાનિંગના પગલાં, દુર્ઘટનાઓના મામલે સજ્જતા અને પ્રતિભાવ તેમજ ફેક્ટરી એક્ટની જોગવાઇની સમીક્ષા પણ કરવામાં આવી છે.
આ બેઠકમાં પેટ્રોલિયમ અને એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO) દ્વારા સાઇટ મંજૂરી સંબંધિત જોગવાઈઓનું પાલન, અને પર્યાવરણીય મંજૂરી આપતી વખતે પ્રોજેક્ટ્સના મૂલ્યાંકન દરમિયાન સલામતી આવશ્યકતાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
ચીફ સેક્રેટરીએ ફેક્ટરીઓમાં સલામતીની જરૂરિયાતને વધારે મહત્વ આપ્યું છે. કામદારો પ્રત્યે સંચાલકો ઉપરાંત સરકારના અધિકારીઓની જવાબદારી પણ સુનિશ્ચિત કરવા તેમણે કહ્યું છે. સલામતીના નિયમોનું કડક પાલન થાય તે જોવા તેમણે આગ્રહ રાખ્યો છે.
ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક એમએમ શાહે કહ્યું હતું કે વિભાગ દ્વારા અનેકવખત જોખમી રસાયણોની ફેક્ટરી પર સ્થળ તપાસ કરીને પગલાં લેવા આદેશ કરવામાં આવતા હોય છે પરંતુ ઔદ્યોગિક સલામતીના પગલાં કામદારો પર કેવા લેવાય છે તેના પર વધારે ભાર મૂકવામાં આવશે.
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ કહ્યું હતું કે જો કામદારોની સલામતીના તમામ પગલાં લેવામાં આવે તો ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો નિવારી શકાય છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સલામતી અંગે પગલાં લેવાતા હોવાના કારણે ઔદ્યોગિક અકસ્માતોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.
ગુજરાતમાં ઔદ્યોગિક એકમોનો હાલ સર્વે ચાલી રહ્યો છે જેમાં 5000થી વધુ ઔદ્યોગિક એકમો અને તેની બાંધકામ સાઇટ્સને આવરી લેવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 2300થી વધુ ફેક્ટરીઓ અને સાઇટ્સના કામ પૂર્ણ થયાં છે, જ્યારે બાકીના સર્વેના કામો ટૂંકસમયમાં પૂર્ણ કરાશે.