ઓનલાઇન સિસ્ટમથી જો તમે કોઇ બીલ ભરતા હોવ તો ચેતી જજો, કારણ કે કોરોના સંક્રમણના સમયમાં નેટ માફિયાઓએ લોકોને લૂંટવા અને તેમના બેન્ક એકાઉન્ટ ખાલી કરવા તેમની જાળ બિછાવી છે. અમદાવાદના એક રહીશે બીલ ભરવા ઓનલાઇન સિસ્ટમનો ઉપયોગ કરતાં બીલ તો ના ભરાયું પરંતુ તેમના બેન્ક એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા સાફ થઇ ગયા છે.
અમદાવાદના ઇસનપુર વિસ્તારના ચામુંડા પાર્કમાં રહેતા અને ડ્રાઇવરની નોકરી કરતાં કરણ દેસાઇએ તેમનું બેન્ક એકાઉન્ટ મોબિક્વિક વોલેટ સાથે જોડેલું છે. 10મી જુલાઇએ મોબિક્વિક એપ્લિકેશનની મદદથી 2110 રૂપિયાનું લાઇટ બીલ ભર્યું હતું અને બેન્ક એકાઉન્ટમાંથી રકમ કપાઇ ગઇ પરંતુ તેનું બીલ ભરાયું ન હોવાથી તેણે મોબાઇલ એપ્લિકેશનમાં ફોન કર્યા હતા પરંતુ પ્રત્યુત્તર મળ્યો ન હતો.
એક અઠવાડિયા પછી પણ પૈસા પાછા નહીં મળતા કરણ દેસાઇએ ગૂગલમાંથી મોબિક્વિક એપ્લિકેશનનો કસ્ટમર કેર નંબર શોધ્યો હતો. તેમાંથી જે નંબર મળ્યો તેમાં ફોન કરતા સામેથી જવાબ આપતી વ્યક્તિએ મોબિક્વિક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. એપ્લિકેસન ડાઉનલોડ કર્યા પછી અન્ય મોબાઈલ નંબર પરથી કરણ દેસાઇને ફોન આવ્યો હતો અને તેને એક લિંક મોકલવામાં આવી હતી.
અન્ય મોબાઈલમાંથી મોકલવામાં આવેલી લિંક અન્ય કોઇને ફોરવર્ડ કરવા જણાવવામાં આવ્યું હતું અને ફોન પર જ બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી હતી. આ ગઠિયાઓએ બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાંથી એક લાખથી વધુની રકમનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું અને એક લાખ રૂપિયા સેરવી લીધા હતા. પોતે છેતરાયા હોવાની જાણ થતાં કરણ દેસાઇએ ઇનસપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડેટાના આધારે તપાસ શરૂ કરી છે.