ભારતમાં એક જ દિવસમાં ૭૬૪૭૨ કેસોના ઉછાળા સાથે કોવિડ-૧૯ના કેસોનો આંકડો ૩૪ લાખને વટાવી ગયો છે, જ્યારે સાજા થયેલા કેસોનો આંક વધીને ૨૬૪૮૯૯૮ થયો છે, જેનાથી દેશમાં રિકવરી રેટ આજે વધુ સુધરીને ૭૬.૪૭ ટકા થયો છે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં જ્યારે કોવિડ-૧૯ના કુલ કેસો વધીને ૩૪૬૩૯૭૨ થયા છે ત્યારે આ રોગથી છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨૧ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક ૬૨પપ૦ થયો છે એમ આજે સવારે ૮ વાગ્યે અપડેટ કરવામાં આવેલા આરોગ્ય મંત્રાલયના આંકડાઓ જણાવતા હતા. દેશમાં કોવિડ-૧૯થી મૃત્યુદર ઘટીને ૧.૮૧ ટકા થયો છે. દેશમાં હાલમાં કોવિડ-૧૯ના ૭૫૨૪૨૪ સક્રિય કેસો છે જે કુલ કેસોના ૨૧.૭૨ ટકા થાય છે એમ આંકડા દર્શાવતા હતા.
ભારતમાં કોરોનાવાયરસથી થતાં કોવિડ-૧૯ના કેસોએ ૭ ઓગસ્ટના રોજ ૨૦ લાખનો આંક વટાવ્યો હતો જ્યારે ૩૦ લાખનો આંક ૨૩ ઓગસ્ટે વટાવ્યો હતો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર)ના જણાવ્યા પ્રમાણે ૨૮ ઓગસ્ટ સુધીમાં ભારતમાં કોવિડ-૧૯ની ચકાસણી માટે કુલ ૪૦૪૦૬૬૦૯ સેમ્પલો ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ગઇકાલે એટલે કે શુક્રવારે ૯૨૮૭૨૬ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં ૨૪ કલાકના સમયગાળામાં થયેલા ૧૦૨૧ નવા મૃત્યુઓમાંથી ૩૩૧ મોત મહારાષ્ટ્રમાં, ૧૩૬ કર્ણાટકમાં અને ૧૦૨ તમિલનાડુમાં થયા છે.
બાકીના રાજ્યોમાં મૃત્યુનો આ આંકડો બે અંકમાં છે. ગુજરાતમાં ગત એક દિવસનો મૃત્યુઆંક ૧૪ છે. દેશમાં આ રોગથી અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુઓ મહારાષ્ટ્રમાં થયા છે જેનો આંકડો ૨૩૭૭પનો છે જેના પછી ૭૦પ૦ સાથે તમિલનાડુનો બીજો અને પ૩૬૮ સાથે કર્ણાટકનો ત્રીજો ક્રમ આવે છે.