ભારતમાં લૉકડાઉન ઉઠાવી લેવાયા પછી પણ બેરોજગારી ઘટવાના બદલે વધી છે અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જુલાઇમાં જેટલી બેકારી હતી તેના કરતા ઓગસ્ટમાં તેનું પ્રમાણ વધ્યું છે અને શહેરી વિસ્તારોમાં આજે દર દસમાંથી એક વ્યક્તિ રોજગારી વિહીન હોય તેવી સ્થિતિ છે.
સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા ગઇકાલે જારી કરવામાં બેરોજગારીના માસિક આંકડાઓ પરથી જાણવા મળે છે કે દેશના શહેરી વિસ્તારોમાં જુલાઇમાં ૯.૧૫ ટકા બેકારી હતી તેની સામે ઓગસ્ટમાં આ દર વધીને ૯.૮૩ ટકા થયો છે, બીજા શબ્દોમાં કહીએ તો શહેરી વિસ્તારોમાં દર દસ વ્યક્તિમાંથી એક વ્યક્તિ બેરોજગાર છે.
દેશની કુલ બેકારી પણ વધી છે, જેમાં જુલાઇમાં દેશમાં ૭.૪૩ ટકા બેરોજગારી હતી તે ઓગસ્ટમાં વધીને ૮.૩પ ટકા થઇ છે. જો કે આ આંકડો માર્ચના ૮.૭પ ટકાના આંકડા કરતા થોડો નીચો છે, જે મહિનામાં કોરોનાવાયરસે દેશમાં પંજો ફેલાવવાનું શરૂ કર્યું હતું.
જો કે કોવિડ-૧૯ પહેલાના મહિનાઓ જેવા કે ફેબ્રુઆરી, જાન્યુઆરી અને ડિસેમ્બરમાં જેટલી બેકારી હતી તેના કરતા હાલની બેકારી ઘણી વધારે છે, તે સમયે દેશમાં બેકારીનો દર ૭.૨૨ અને ૭.૭૬ ટકાની વચ્ચે હતો.
આ જ રીતે ઓગસ્ટમાં ગ્રામ્ય વિસ્તારોમાં બેકારીનો દર ૭.૬પ ટકા હતો જે જુલાઇમાં ૬.૬૬ ટકા હતો. રાજયોની દષ્ટિએ જોઇએ તો સૌથી વધુ બેકારી હરિયાણામાં છે જે ૩૩.પ ટકા છે જેના પછી ૨૭.૯ ટકા બેકારી સાથે ત્રિપુરાનો ક્રમ આવે છે. જ્યારે કર્ણાટક અને ઓડિશામાં અનુક્રમે ૦.પ ટકા અને ૧.૪ ટકાના દર સાથે દેશમાં સૌથી ઓછી બેકારી છે.
દેશમાં હાલમાં બેકારી વધવા માટેનું કારણ ફોર્મલ સેકટરમાં ઘટેલુ નોકરીઓનું પ્રમાણ અને ખેતીના ક્ષેત્રમાં કામદારોના થઇ ગયેલા ભરાવાને માનવામાં આવે છે.