ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 40 લાખને પાર પહોંચી ગયો છે જ્યારે મૃતાંક 68,000થી પણ વધારે. આ દરમિયાન જ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે AIIMSના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરીયાએ ગંભીર ચેતવણી આપી છે.
કેન્દ્ર સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય એવા ડો.ગુલેરિયાએ કહ્યું હતું કે, ભારતમાં 2021માં પણ કોરોના વાયરસનો ઉત્પાત યથાવત રહેશે. અમે એમ નથી કહી રહ્યા કે, 2021માં આ મહામારી નહીં હોય પણ એટલુ કહી શકાય તેમ છે કે 2021માં કોરોનાની અસર અત્યારે છે તેના કરતા ઘણી ઓછી હશે.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ વર્ષના અંત સુધીમાં કોરોનાની વેક્સિન આવી શકે છે. ભારતમાં ત્રણ સ્વદેશી કંપનીઓ સહિત ઘણી કંપનીઓ વેક્સિન પર કામ કરી રહી છે પણ વેક્સિન સુરક્ષિત હોય તે જરુરી છે. કેટલાક મહિના હજી વેકિસન બનવામાં લાગી જશે. જો બધુ સમુસુતરુ પાર ઉતરશે તો આ વર્ષના અંત સુધીમાં વેક્સિન તૈયાર થઈ જશે તેમ તેમણે ઉમેર્યું હતું.