વલસાડ જિલ્લા પંચાયતના તલાટીઓને હવે લીવ રિઝર્વની નિમણૂંકો રદ કરી દેવા વિકાસ કમિશનરે ડીડીઓને હુકમ કર્યો હોવાનું કચેરી ના સૂત્રો એ જણાવ્યું છે.
વિગતો મુજબ તલાટી કમ મંત્રીની હાલમાં ઘટ વર્તાઇ રહી છે ત્યારે અરજદારોના કામોના નિકાલના પ્રશ્નો ઉભા થતા તેની સીધી અસર કામગીરી પર પહોંચી રહી છે જે અંગે ગાંધીનગર સુધી વાત પહોંચતા વિકાસ કમિશ્નરે ગંભીર નોંધ લઈ જિલ્લા પંચાયતોના જે તલાટી કમ મંત્રીઓ લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે તે તમામની નિમણૂંકો રદ કરી દેવા કમિશ્નરે જિલ્લા વિકાસ અધિકારીઓને હુકમ જારી કર્યો હોવાની વિગતો જાણવા મળી છે.
વધુ ગામના ચાર્જથી કામગીરીને અસર
જિલ્લામાં અમુક તપાસોના કારણે તલાટી કમ મંત્રીઓ લીવ રિઝર્વમાં મૂકી દેવાતા અન્ય તલાટી સ્ટાફને વધુ કામનું ભારણ આવી પડી રહ્યું છે.એક તલાટીને 1 થી વધુ ગ્રામપંચાયતોનો ચાર્જ સોંપવાની નોબત આવતાં કામનું ભારણ વધી જાય છે.જેના કારણે અરજદારોના કામો પર અસર પહોંચે છે તેવું તારણ નિકળ્યું છે.
આ તલાટીઓને સેજાનો હવાલો નહિ
જે લીવ રિઝર્વના તલાટી કમ મંત્રીઓને ફરજ મોકુફી ઉપર રખાયા બાદ તેમની સામે તપાસ ચાલૂ રાખવા અને કોર્ટના કેસ ચાલૂ હોય તેવા કિસ્સામાં ફરજ પર પૂન: સ્થાપિત કરી લીવ રિઝર્વ તલાટીની જગ્યા ઉપર નિમવામાં આવ્યા હોય તેવા તલાટીઓને આ હુકમની સૂચના લાગૂ પડશે નહી તેમ સૂત્રો એ ઉમેર્યું હતું.
