નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે, છેલ્લા બે વર્ષમાં એટલે કે, 2018 અને 2019માં કુલ 14,702 લોકોએ આત્મહત્યા કરી છે. ગુજરાતમાં રોજ 21થી વધુ લોકો જુદા જુદા કારણસર આત્મહત્યા (Suicide) કરે છે. જ્યારે લોકડાઉન દરમિયાન વધુ લોકોએ જીવન ટુંકાવ્યાનો બીફ્રેન્ડર્સ સંસ્થાએ દાવો કર્યો છે.
2019ના પાછલા વર્ષની વાત કરીએ તો, 2019માં રાજયમાં કુલ 7655 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 5168 પુરૂષો અને 2468 મહિલાઓનો સમાવેશ થાય છે.
2019માં ગુજરાતમાં સૌથી વધુ આત્મહત્યા સુરતમાં 2153 નોંધાઇ, જયારે બીજા ક્રમે 1941 લોકોની આત્મહત્યા સાથે અમદાવાદ રહ્યું છે.
આગામી તા. 10મી સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ સ્યુસાઇડ અને પ્રિવેન્શન ડેની મનાવવામાં આવે છે. પરંતુ આજની સમાજની નરી વાસ્તવિકતા એ છે કે, કોરોના મહામારી અને લોકડાઉનની કપરી અને ગંભીર પરિસ્થિતિમાં માણસ જાણે સામાજિક જીવનથી એકલો અટુલો પડી ગયો છે અને તેના માઠા અને વરવા પરિણામ એ આવ્યા કે, લોકડાઉનમાં આત્મહત્યાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યુ હોવાની સાથેં સામાજિક સંસ્થામાં પણ આત્મહત્યા સંબંધી ફોનકોલ્સ પણ ચાર ગણા વધ્યા હોવાનો આત્મહત્યા નિવારણ માટે સેવા કરતી બીફ્રેન્ડર્સ ઇન્ડિયા નામની સંસ્થાએ દાવો કર્યો છે. જો કે તેના ડેટા જાહેર ન કરી શકાય તેમ જ હાલ તે ડેટા ઉપલબ્ધ નહીં હોવાથી આ તેમનું અનુમાન હોવાનું તેમણે જણાવ્યું છે.