આજથી ટોલ નાકા પર ID કાર્ડની ધાક બતાવવી પડશે ભારે! 10 એપ્રિલથી બદલાયા આ નિયમો
નેશનલ હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે આજનો દિવસ એટલે કે 10 એપ્રિલ ખૂબ જ મહત્વનો છે. આજથી ટોલ ટેક્સ વસૂલાતની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફારો અમલમાં આવ્યા છે. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે હવે ટોલને સંપૂર્ણપણે ‘કેશલેસ’ બનાવવાનો નિર્ણય લીધો છે. હવે ટોલ નાકા પર રોકડ વ્યવહાર ભૂતકાળ બની જશે અને સરકારી ઓળખપત્ર (ID) બતાવીને મફતમાં નીકળનારા લોકો પર પણ લગામ કસવામાં આવી છે.
હવે રોકડ નહીં, માત્ર ડિજિટલ પેમેન્ટ
નવા નિયમ મુજબ, ભારતના નેશનલ હાઈવે પર હવે રોકડમાં ટોલ ટેક્સ સ્વીકારવામાં આવશે નહીં. સડક પરિવહન મંત્રાલયે આ અંગે ઔપચારિક નોટિફિકેશન બહાર પાડી દીધું છે. આ પગલાનો મુખ્ય હેતુ ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઈનો ઘટાડવાનો અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ ઝડપી તેમજ કાર્યક્ષમ બનાવવાનો છે.
FASTag વગર UPI થી પેમેન્ટ કરવું પડશે મોંઘું
જો તમારી પાસે ગાડી પર માન્ય (Valid) FASTag નથી, તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે, ટોલ ઓપરેટરોને UPI દ્વારા પેમેન્ટ લેવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ તે સામાન્ય દર કરતાં 1.25 ગણું મોંઘું પડશે. એટલે કે, જો તમારો ટોલ 100 રૂપિયા થતો હોય અને તમારી પાસે FASTag ન હોય, તો UPI થી ચૂકવણી કરતી વખતે તમારે 125 રૂપિયા આપવા પડશે. લાંબી મુસાફરી દરમિયાન આ વધારાનો 25% ચાર્જ ખિસ્સા પર મોટો બોજ બની શકે છે.
ID કાર્ડ બતાવીને ધાક જમાવનારાઓની ખેર નથી
ટોલ નાકા પર અવારનવાર સરકારી કર્મચારીઓ કે અન્ય વગદાર લોકો પોતાનું ઓળખપત્ર બતાવીને મફતમાં નીકળવા માટે ટોલ કર્મચારીઓ સાથે માથાકૂટ કરતા હોય છે. હવે આ પ્રકારની દાદાગીરી ચાલશે નહીં. નવા નિયમ મુજબ:
- ખાનગી વાહનોમાં સરકારી ID કાર્ડનો ઉપયોગ કરીને મળતી અનૌપચારિક છૂટ હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.
- હવે માત્ર એ જ વાહનોને ટોલમાંથી મુક્તિ મળશે જેમના માટે ‘Exempted FASTag’ (છૂટ ધરાવતું ફાસ્ટેગ) ઇશ્યૂ કરવામાં આવ્યું હોય.
- આ નિર્ણયથી ટોલ કર્મચારીઓ અને વાહન ચાલકો વચ્ચે થતા વિવાદોમાં પણ ઘટાડો થશે.
આ ફેરફારથી કોને ફાયદો થશે?
મોટાભાગના વાહન ચાલકો જેઓ પહેલાથી જ FASTag નો ઉપયોગ કરે છે, તેમના માટે કોઈ ખાસ ફેરફાર નથી. પરંતુ જે લોકો ક્યારેક જ મુસાફરી કરે છે અથવા જેમનું FASTag નિષ્ક્રિય (Inactive) છે, તેમણે તાત્કાલિક તે ચાલુ કરાવી લેવું પડશે. આ નવી સિસ્ટમથી હાઈવે પર ઈંધણ અને સમય બંનેની બચત થશે.

