અમદાવાદમાં ભાજપનો વિરોધ: બોડકદેવમાં પ્રચાર કરવા ગયેલા નેતાઓને જનતાએ આડે હાથ લીધા, જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે તૈયારીઓ અને જનસંપર્ક શરૂ કરી દીધો છે. આ કડીમાં ભારતીય જનતા પાર્ટીએ પણ જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે, પરંતુ અમદાવાદમાં ભાજપના નેતાઓને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં લોકોએ ભાજપના નેતાઓને રોકીને પ્રચાર બંધ કરાવ્યો હોવાની ઘટના સામે આવી છે.
ઢોલ-નગારા સાથે ગયેલા નેતાઓનો ફિયાસ્કો
બન્યું એવું કે, બોડકદેવ વિસ્તારમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકરોનું એક જૂથ ચૂંટણી પ્રચાર માટે નીકળ્યું હતું. આ ટીમમાં પૂર્વ કોર્પોરેટર વાસંતીબેન પટેલ અને AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈના પુત્ર ધનરાજ દેસાઈ સહિતના આગેવાનો સામેલ હતા. નેતાઓ વાજતે-ગાજતે ઢોલ-નગારા સાથે વિસ્તારમાં પ્રવેશ્યા હતા, પરંતુ સ્થાનિક રહીશોએ તેમને ફૂલહાર પહેરાવવાને બદલે પ્રશ્નોના હાર પહેરાવી દીધા હતા.
‘૫ વર્ષ ક્યાં હતા?’ – જનતાએ સંભળાવી ખરી-ખરી
જેવા નેતાઓ પ્રચાર માટે સોસાયટીઓ પાસે પહોંચ્યા, સ્થાનિક લોકોએ તેમને અટકાવી દીધા હતા. લોકોનો ગુસ્સો સાતમા આસમાને હતો. સ્થાનિકોએ નેતાઓને ઘેરતા સાફ શબ્દોમાં સંભળાવ્યું કે, “પાંચ વર્ષ સુધી જ્યારે અમે મુશ્કેલીમાં હતા ત્યારે તમે ક્યાં ગયા હતા? હવે ચૂંટણી આવી એટલે ફરી મોઢું બતાવવા આવી ગયા?”
લોકોએ ખાસ કરીને નીચેની સમસ્યાઓ મુદ્દે નેતાઓનો ઉધડો લીધો હતો:
- રસ્તાઓની બિસ્માર હાલત: વિસ્તારના ખરાબ રસ્તાઓથી લોકો પરેશાન છે.
- સ્ટ્રીટ લાઈટની સમસ્યા: અધૂરી લાઈટ વ્યવસ્થાને કારણે રાત્રે અંધારાનો સામનો કરવો પડે છે.
- ગટર લાઈન: ગટરની સફાઈ અને લાઈનોની જૂની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી.
અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં ભાજપને ભગાડવાની શરૂઆત થઈ ચૂકી..#Bodakdev #PublicAction pic.twitter.com/v3qI5VzycR
— Dr.Manish Doshi (@drmanishdoshi) April 9, 2026
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
જનતા અને નેતાઓ વચ્ચેની આ ઉગ્ર બોલાચાલીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો નેતાઓને પ્રચાર બંધ કરીને પાછા જવા માટે કહી રહ્યા છે. વિરોધ પક્ષો પણ આ તકનો લાભ લઈને ભાજપ પર નિશાન સાધી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ જનતાનો અસલી મિજાજ છે.
આ ઘટના એ વાતનો સંકેત આપે છે કે હવે મતદારો માત્ર વાતોથી નહીં, પણ કામના આધારે નેતાઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે. ચૂંટણી પહેલા થયેલો આ વિરોધ આગામી દિવસોમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.
