નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ ૨૦૨૬’ માં ગુજરાત દેશમાં મોખરે

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
8 Min Read

૨૯% સસ્તી વીજળી અને ચોવીસ કલાક પાવર! ગુજરાતની આ નવી ઇકોસિસ્ટમે ઉદ્યોગ જગતમાં મચાવી દીધી સળવળાટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આર્થિક મહાસત્તા બનાવવા અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’નું સપનું સાકાર કરવા માટે જે રોડમેપ તૈયાર કર્યો છે, તેને વેગ આપવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. ઔદ્યોગિક વિકાસ, વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન અને નીતિગત સ્થિરતાના જોરે ગુજરાતે વધુ એક વખત રાષ્ટ્રીય સ્તરે ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નીતિ આયોગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા દેશના સૌપ્રથમ ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ ૨૦૨૬’માં ગુજરાતે શાનદાર પ્રદર્શન કરીને મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ ક્રમ હાસલ કર્યો છે.

આ સૂચકાંકમાં ગુજરાતે ૫૬.૬ નો સર્વોચ્ચ સ્કોર મેળવીને દેશના અન્ય ઔદ્યોગિક રાજ્યો સમક્ષ એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. દેશના ૧૭ અગ્રણી રાજ્યો વચ્ચે થયેલી આ કડક સ્પર્ધામાં ગુજરાતે મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા મોટા ઔદ્યોગિક રાજ્યોને પણ પાછળ છોડી દીધા છે, જ્યાં મહારાષ્ટ્ર ૫૩.૭ ના સ્કોર સાથે બીજા અને તમિલનાડુ ૫૩.૩ ના સ્કોર સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. આ રેન્કિંગ સાબિત કરે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ અને રોકાણકારોને અપાતી સુવિધાઓ આજે દેશમાં સર્વશ્રેષ્ઠ છે.

- Advertisement -

આઠ મુખ્ય સ્તંભો અને ૮૪ સૂચકાંકોના આધારે કડક મૂલ્યાંકન

નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલો આ ઇન્ડેક્સ કોઈ સામાન્ય સર્વે નથી, પરંતુ રાજ્યોની આર્થિક, સામાજિક અને વહીવટી વ્યવસ્થાનું ખૂબ જ ઝીણવટભર્યું મૂલ્યાંકન છે. આ ઇન્ડેક્સમાં કુલ ૮ મુખ્ય સ્તંભો (Pillars) અને ૮૪ જેટલા વિવિધ સૂચકાંકો (Indicators) નક્કી કરવામાં આવ્યા હતા. તેમાં જે તે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળીની ઉપલબ્ધતા, શ્રમ કાયદા, નાણાકીય શિસ્ત અને વહીવટી સુધારાઓ જેવા તમામ પાસાંઓને આવરી લેવામાં આવ્યા હતા. આ તમામ કડક માપદંડો પર ખરું ઉતરીને ગુજરાતે દેશના સૌથી ‘ઇન્વેસ્ટમેન્ટ-ફ્રેન્ડલી’ એટલે કે રોકાણ માટે સૌથી સાનુકૂળ વાતાવરણ ધરાવતા રાજ્ય તરીકે પોતાની પકડ મજબૂત કરી છે.

WhatsApp Image 2026 07 18 at 3.43.05 PM

- Advertisement -

સિંગલ-વિન્ડો ક્લિયરન્સ અને વહીવટી સુધારાઓ

કોઈપણ રોકાણકાર જ્યારે કોઈ રાજ્યમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવા ઈચ્છે છે, ત્યારે તેની સૌથી પહેલી જરૂરિયાત લાલ ફીતાશાહી અને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ મેળવવાની હોય છે. આ બાબતને ગુજરાતે ખૂબ જ સારી રીતે સમજી છે. રાજ્યના ઇન્ડસ્ટ્રિઅલ એક્સટેન્શન બ્યૂરો એટલે કે iNDEXTb દ્વારા અમલમાં મૂકવામાં આવેલી સિંગલ-વિન્ડો સિસ્ટમ રોકાણકારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

અહીં રોકાણકારોને પ્રોજેક્ટની મંજૂરીથી લઈને તેની સ્થાપના સુધીની એન્ડ-ટુ-એન્ડ સહાય એક જ પ્લેટફોર્મ પર મળી રહે છે. આનાથી ઉદ્યોગો શરૂ કરવા માટે જરૂરી એવા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવાની પ્રક્રિયા એકદમ પારદર્શક, સમયસર અને કિફાયતી બની છે. વહીવટી પ્રક્રિયામાં લાવવામાં આવેલી આ ગતિશીલતા જ ગુજરાતને ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’માં દેશમાં સૌથી આગળ રાખે છે.

અવિરત શ્રમ વાતાવરણ અને ઔદ્યોગિક શાંતિ

ઉદ્યોગોના સફળ સંચાલન માટે માત્ર જમીન કે મૂડી પૂરતી નથી, પરંતુ ત્યાં શાંતિપૂર્ણ શ્રમ વાતાવરણ હોવું પણ એટલું જ જરૂરી છે. ગુજરાત સરકારની દીર્ઘદૃષ્ટિના કારણે રાજ્યમાં શ્રમિકો અને ઉદ્યોગપતિઓ વચ્ચે સારો તાલમેલ જોવા મળે છે. સરકારે આવશ્યક સેવાઓમાં હડતાલ પર મૂકેલા કાયદાકીય પ્રતિબંધોને કારણે રાજ્યમાં લેબર ડિસરપ્શન એટલે કે શ્રમ વિક્ષેપ અને હડતાલની ઘટનાઓ નહિવત્ છે. આ સ્થિરતા ઉદ્યોગોને લાંબા ગાળાના આયોજન માટે એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે, જેનાથી કંપનીઓ કોઈ પણ પ્રકારના ડર વગર ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખી શકે છે.

- Advertisement -

વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લગ-એન્ડ-પ્લે ઇકોસિસ્ટમ

ગુજરાતનું ભૌતિક માળખું અને ઔદ્યોગિક વસાહતો આજે વૈશ્વિક સ્તરની સ્પર્ધા કરી રહી છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR), ગિફ્ટ સિટી (GIFT City), સાણંદ, દહેજ, ઝઘડિયા અને સાયખા જેવા અદ્યતન ઔદ્યોગિક ક્લસ્ટર્સ આના જીવંત ઉદાહરણો છે. આ વિસ્તારોમાં રોકાણકારોને ‘પ્લગ-એન્ડ-પ્લે’ સુવિધા મળે છે, એટલે કે રોકાણકારે માત્ર આવીને પોતાનો પ્લાન્ટ જ શરૂ કરવાનો હોય છે, બાકીની તમામ પાયાની સુવિધાઓ જેમ કે રોડ, પાણી, કનેક્ટિવિટી સરકાર દ્વારા પહેલેથી જ તૈયાર રાખવામાં આવેલી હોય છે. આ મજબૂત વ્યવસ્થાના કારણે જ ગુજરાતની દ્વિવાર્ષિક ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ વિશ્વભરના અગ્રણી ઉદ્યોગગૃહો અને બહુરાષ્ટ્રીય કંપનીઓને આકર્ષવામાં સતત સફળ રહી છે.

લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીનું અદભુત નેટવર્ક

સપ્લાય ચેઈનને મજબૂત બનાવવા માટે કનેક્ટિવિટી એ કરોડરજ્જુ સમાન છે. લોજિસ્ટિક્સના ક્ષેત્રમાં ગુજરાતે જે હરણફાળ ભરી છે તેની નોંધ નીતિ આયોગે પણ લીધી છે.

  • દેશના કુલ સ્ટેટ હાઇવે નેટવર્કનો આશરે ૧૦ ટકા હિસ્સો એકલા ગુજરાતમાં છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ચાર ગણો વધારે છે.

  • દેશમાં રાષ્ટ્રીય એક્સપ્રેસવેની સૌથી વધુ લંબાઈ (અંદાજિત ૬૩૫ કિલોમીટર) ગુજરાત ધરાવે છે.

  • ભારતના કુલ રેલ્વે નેટવર્કનો ૭ ટકા ભાગ ગુજરાતમાંથી પસાર થાય છે અને રાજ્યના આધુનિક બંદરો વૈશ્વિક વેપાર માટેના પ્રવેશદ્વાર બન્યા છે.

આ શક્તિશાળી કનેક્ટિવિટીના લીધે માલસામાનની હેરફેરનો સમય (Turnaround Time) ઘણો ઘટી જાય છે, જે ઉદ્યોગોની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરે છે.

સસ્તી અને ચોવીસ કલાક અવિરત વીજળી

કોઈપણ મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે પાવર કોસ્ટ એટલે કે વીજળીનો ખર્ચ એ નફા-નુકસાન નક્કી કરતું મોટું પરિબળ છે. આ બાબતમાં પણ ગુજરાત અન્ય રાજ્યો કરતાં ઘણું આગળ છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ઔદ્યોગિક ગ્રાહકો માટે વીજળીનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં આશરે ૨૯ ટકા જેટલો ઓછો છે.

વીજળી માત્ર સસ્તી જ નથી, પરંતુ તેની ગુણવત્તા અને સાતત્ય પણ જબરદસ્ત છે. રાજ્યમાં ઉદ્યોગોને સરેરાશ દરરોજ ૨૩.૮ કલાક અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે છે. પાવર સેક્ટરમાં લાવવામાં આવેલી આ આત્મનિર્ભરતા અને કુશળતાના કારણે જ હેવી મેન્યુફેક્ચરિંગ અને કેમિકલ જેવા ઉદ્યોગો માટે ગુજરાત પહેલી પસંદગી બન્યું છે.

દેશની નિકાસમાં ૩૧ ટકાનો સિંહફાળો અને આર્થિક સમૃદ્ધિ

ગુજરાત માત્ર દેશની અંદર જ નહીં, પરંતુ વૈશ્વિક બજારમાં પણ ભારતનો ધ્વજ લહેરાવી રહ્યું છે. ભારતમાંથી થતી કુલ મર્ચેન્ડાઇઝ નિકાસમાં એકલા ગુજરાતનો હિસ્સો ૩૧ ટકા જેટલો મોટો છે. એટલે કે દેશમાંથી બહાર જતા દર ત્રીજા માલના કન્ટેનર પર ગુજરાતની મહોર હોય છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન ગુજરાતનો જીએસડીપી (GSDP) વૃદ્ધિ દર દેશભરમાં ત્રીજા ક્રમે રહ્યો હતો.

આ ઉપરાંત, રાજ્યનો પ્રતિ વ્યક્તિ જીએસડીપી ૨,૬૪,૨૩૨ રૂપિયા નોંધાયો છે, જે અન્ય મોટા રાજ્યોની સરેરાશની સરખામણીએ ૬૭ ટકા જેટલો વધારે છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યનો આર્થિક પાયો અત્યંત મજબૂત અને સ્થિર છે.

મજબૂત MSME ઇકોસિસ્ટમ અને નાણાકીય શિસ્ત

મોટા ઉદ્યોગોની સાથે સાથે નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) પણ અર્થતંત્રના વિકાસ માટે એટલા જ મહત્વના છે. ગુજરાતમાં માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝિસની સંખ્યા દેશભરમાં ચોથા ક્રમે છે. આ મજબૂત સ્મોલ-સ્કેલ ઇકોસિસ્ટમ મોટા ઉદ્યોગોને જરૂરી કાચો માલ અને સ્પેરપાર્ટ્સ સ્થાનિક સ્તરે જ પૂરા પાડે છે, જેથી મોટી કંપનીઓ માટે વેલ્યુ ચેઈન સરળ બને છે.

બીજી તરફ, નાણાકીય વ્યવસ્થાપનમાં પણ ગુજરાતે દેશ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ માં રાજ્યની રાજકોષીય ખાધ જીએસડીપીના માત્ર ૨.૮૧ ટકા જ રહી હતી, જે તમામ રાજ્યોમાં સૌથી ઓછી છે. જ્યારે રાજ્યની કુલ દેવાદારી જીએસડીપીના આશરે ૧૮ ટકા જેટલી મર્યાદિત છે, જે અન્ય મોટા રાજ્યોની સરેરાશ કરતાં લગભગ ૪૦ ટકા ઓછી છે. આ નાણાકીય શિસ્ત રોકાણકારોને લાંબા ગાળાની આર્થિક સ્થિરતા અને સુરક્ષાની ગેરંટી આપે છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.