CAG રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: જમ્મુ-કાશ્મીરની સુંદરતા પર ગ્રહણ, સેંકડો તળાવો નકશા પરથી ગાયબ
જમ્મુ-કાશ્મીર, જેને પૃથ્વીનું સ્વર્ગ માનવામાં આવે છે, તે અત્યારે એક ભયાનક પર્યાવરણીય સંકટનો સામનો કરી રહ્યું છે. તાજેતરમાં કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં એક હચમચાવી દેનારો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 1967 થી અત્યાર સુધીમાં સર્વે કરવામાં આવેલા 697 જળાશયો અને વેટલેન્ડ્સમાંથી લગભગ 74% એટલે કે 518 જળાશયો કાં તો સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયા છે અથવા તો ભયજનક રીતે સંકોચાઈ ગયા છે.
આંકડાકીય વિગતો: 315 તળાવોનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું
ઓડિટમાં જાણવા મળ્યું છે કે અંદાજે 1,537 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા 315 તળાવો હવે નકશા પર રહ્યા જ નથી. આ ઉપરાંત, અન્ય 203 જળાશયોમાં પાણીનો વિસ્તાર 1,314 હેક્ટર સુધી ઘટી ગયો છે. આમાંથી 63 જળાશયો તો એવા છે જે તેમના મૂળ કદ કરતા અડધાથી પણ વધુ નાના થઈ ગયા છે. કુલ મળીને રાજ્યએ અત્યાર સુધીમાં 2,851 હેક્ટર જેટલો વિશાળ જળચર વિસ્તાર ગુમાવ્યો છે.
વિનાશ પાછળ કુદરત નહીં પણ માનવીય બેદરકારી જવાબદાર
આશ્ચર્યની વાત એ છે કે આ વિનાશમાં પર્યાવરણીય પરિબળોનો ફાળો માત્ર 5 થી 10% જ છે. બાકીની પાયમાલી માટે માનવીય પ્રવૃત્તિઓ જવાબદાર છે, જેમાં નીચેના મુદ્દાઓ મુખ્ય છે:
- ઝડપી અને અનિયોજિત શહેરીકરણ.
- જળાશયોની જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ.
- જંગલોનોડે આડેધડ સફાયો.
- સરકારી વિભાગો (મહેસૂલ, વન, કૃષિ અને પ્રવાસન) વચ્ચે સંકલનનો અભાવ.
વધતું પૂરનું જોખમ અને નિષ્ણાતોની ચેતવણી
જળસ્ત્રોતો ઘટવાને કારણે કુદરતી બફર સિસ્ટમ નાશ પામી છે. વર્ષ 2014માં આવેલા વિનાશક પૂરનું ઉદાહરણ આપતા નિષ્ણાતોએ જણાવ્યું કે, જ્યારે અતિશય વરસાદ થાય છે ત્યારે આ સંકોચાયેલા તળાવો વધારાના પાણીને સમાવી શકતા નથી, જેનાથી જાન-માલનું નુકસાન વધે છે. અર્થ સાયન્સ એક્સપર્ટ ફૈઝાન આરિફ જણાવે છે કે, “આપણે ઈમરજન્સીની સ્થિતિમાં છીએ. 74% જળસ્ત્રોતો ગટરના પાણી અને બાંધકામને કારણે પ્રદૂષિત કે નાશ પામ્યા છે, જેના માટે સરકાર અને નાગરિકો બંને સરખા જવાબદાર છે.”
મુખ્યમંત્રીની અપીલ: “શું આપણે બાળકોને આવું ભવિષ્ય આપીશું?”
આ ગંભીર પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, આ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજે જાગૃત થવાની જરૂર છે. તેમણે લોકોને અપીલ કરી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે અને પર્યાવરણ જાળવણી માટે નાના-નાના પગલાં ભરે. તેમણે ચેતવણી આપી છે કે જો આપણે અત્યારે નહીં સુધરીએ, તો આવનારી પેઢી માટે કંઈ જ બાકી નહીં રહે.
ભવિષ્ય માટેના જરૂરી પગલાં
CAG રિપોર્ટમાં આ સંકટને રોકવા માટે કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે:
- કેન્દ્રિય સત્તા (Centralized Authority): જળસ્ત્રોતોના રક્ષણ માટે એક મજબૂત અને જવાબદાર વિભાગ બનાવવો.
- નિષ્ણાતોની નિમણૂક: હાઈડ્રોલોજિસ્ટ અને ઈકોલોજિસ્ટની મદદ લેવી.
- સખત કાયદા: અતિક્રમણ કરનારાઓ સામે કડક કાર્યવાહી અને ગેરકાયદેસર બાંધકામો હટાવવા.
- જનભાગીદારી: નાની-મોટી તમામ 697 ઝીલોના પુનરુત્થાન માટે સામુદાયિક ઝુંબેશ ચલાવવી.

