અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ભ્રષ્ટાચાર એક સામાન્ય વાત ગણાય છે અને જે વિભાગ સૌથી વધુ ગેરરીતિ માટે પંકાયેલો છે , એવા એસ્ટેટ વિભાગના ચાર અધિકારીઓ સામે વિજિલન્સની તપાસ ચાલુ હોવા છતાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (TDO) તરીકે પ્રમોશન આપી દઈને કમાલ કરી નાખી છે. આ તમામ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાને બદલે તેમને પ્રમોશન આપવા જેવી બાબત ભારે ચર્ચાસ્પદ બની છે.
આ અધિકારીઓને આસિસ્ટન્ટ TDO તરીકે પ્રમોશન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે એસ્ટેટ વિભાગમાં આસિસ્ટન્ટ TDOની ખાલી પડેલી જગ્યાની ભરતી માટે ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સાત અધિકારીઓને પ્રમોશન આપી અને આસિસ્ટન્ટ TDO તરીકે પ્રમોશન આપી દીધા છે અને તેમની અલગ અલગ ઝોનમાં નિમણૂક પણ કરી દીધી છે. મ્યુનિસિપલ કમિશનરે સાત પૈકી પ્રભુદાસ પટેલ, ઘનશ્યામ વેકરિયા, લક્ષ્મણ માછી અને હિતેશ ચૌહાણ નામના ચાર ઇન્સ્પેક્ટર સામે વિજિલન્સની તપાસ ચાલુ હોવા છતાં તેમને પ્રમોશન આપી દેવાનું કામ કર્યુ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં નાના મોટા ગેરકાયદેસર બાંધકામ, પ્લાન પાસ કરાવવા અને પ્લાનથી વિપરીત બાંધકામમાં લાખો રૂપિયાનો વહીવટ અને હપ્તાઓ અધિકારીઓ સુધી પહોંચતા હોય છે. આવા અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ કરવાની વાત કરાય છે અને બાદમાં પ્રમોશન આપી દેવામાં આવતા ફરી લાખો રૂપિયા કમાવવા પ્રોત્સાહન આપવામા આવે છે. જે અધિકારી સામે તપાસ ચાલુ હોય તો પ્રમોશન આપી ન શકાય છતાં નિયમો નેવે મૂકી દેવામાં આવ્યા હોવાની વ્યાપક ચર્ચા ઉઠવા પામી છે.
