સમગ્ર દેશ માં હાથરસ કાંડ છવાઈ ચૂક્યું છે અને રાજકીય રંગે રંગાઈ ચૂકેલા આ પ્રકરણમાં ફરી એક વાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીના સાંસદો સાથે હાથરસની યાત્રા કરવાની જાહેરાત કરતા ભારે હોબાળો મચી ગયો છે, કારણ કે અગાઉ પણ રાહુલ ગાંધી પોતાના બહેન પ્રિયંકા ગાંધી સાથે હાથરસ જવા રવાના થયા ત્યારે પોલીસે તેમને ધરપકડ કરી હતી અને ઝપાઝપી દરમિયાન રાહુલ ગાંધી પડી ગયા હતા પરિણામે દેશભરમાં આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી હતી. દરમ્યાન રાહુલ ગાંધી એ ફરી એકવાર ત્યાં જવાની જાહેરાત કરી છે.
કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે આજે જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે બપોરે હાથરસ જવા રવાના થશે. તેમણે કહ્યું હતું કે રાહુલ હાથરસમાં મૃતક યુવતીના સંબંધીઓને મળશે. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ અત્યારે ટ્વીટ કરીને યુપી પોલીસને આડેહાથ લેતા પોલીસ સાથે સીધો સંઘર્ષ થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
યુપીના હાથરસ ગેંગરેપ કેસ મામલે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરીથી ગેંગરેપ પીડિત પરિવારના સભ્યોને મળવાનો પ્રયત્ન કરશે ત્યારે સંઘર્ષ થવાની શકયતા છે.
અગાઉ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશ પોલીસ પર લાકડીઓ મારવાનો આરોપ લગાવ્યો હતો. અહીં પોલીસે રાહુલ અને પ્રિયંકા બંનેની ધરપકડ કરી હતી. જોકે, થોડા સમય પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એફ-1 ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળ્યા હતા આમ ફરી એકવાર રાહુલ અને પ્રિયંકા એ સ્થળ ઉપર જવાની જીદ કરતા મામલો ગંભીર બનવાની શક્યતા જોતા પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે.
