કોરોના કાળ માં બધીજ સ્કૂલો બંધ હોવાછતાં ફી માંગવાની જીદ ઉપર ઉતરેલા શાળા સંચાલકો ની ફી માટે ની દાદાગીરી સામે હવે વાલીઓ એ પણ બાંયો ચડાવી છે અને ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસીએશને સ્પષ્ટ કર્યું છે કે મંદીમાં વાલીઓ માત્ર 25 ટકા જ ફી ભરી શકે તેવી સ્થિતિમાં છે, માટે સરકારે 75 ટકા ફી માફીની જાહેરાત કરવી જોઇએ. ફેડરેશનનો આક્ષેપ છે કે 25 ટકા ફી માફીની જાહેરાતનો નિર્ણય લેતા પહેલા સરકારે રાજ્યમાં વાલીમંડળો સાથે ચર્ચા કરી નથી. આ નિર્ણય માત્ર સ્કૂલ સંચાલકોને ધ્યાને લઈને લેવામાં આવ્યો છે જે એક તરફી છે અને કોઈ વાલી 75 ટકા ફી ભરવાના નથી.
ફેડરેશને શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે, લોકડાઉનને કારણે સ્કૂલો બંધ છે અને ખર્ચ ઘટ્યો છે. આ સ્થિતિમાં વાલીઓની 75 ટકા ફી માફ થવી જોઇએ. ઘણી સ્કૂલોએ શિક્ષકોને છૂટા કર્યા છે. જો કોઈ સ્કૂલ સંચાલકની રજૂઆત હોય કે તેમને ખર્ચ પોસાય તેમ નથી તો સરકારે તેમના ખર્ચની તપાસ કરવી જોઇએ. જેથી સંચાલકોને પણ અન્યાય ન થાય. સરકારે તમામ વિભાગો અને ઉદ્યોગોને રાહત પેકેજ જાહેર કર્યું છે ત્યારે વાલીઓ માટે પણ સરકારે રાહત પેકેજની જાહેરાત કરવી જોઇએ.
ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસીએશને માંગ કરી હતી કે સરકારે ફી માફીની સાથે ઓનલાઇન ક્લાસીસ પર પણ નિયમન રાખવું જોઇએ. જે સ્કૂલો ફી નહીં ભરવાને કારણે બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ કરે છે તેના પર કાર્યવાહી થવી જોઇએ. કારણ કે તેના કારણે બાળકોના મન પર ખરાબ અસર થાય છે. સરકારે ઓનલાઇન એજ્યુકેશન પર કડક નિયમો તૈયાર કરવા જોઇએ.
રાજ્યના 27 વાલી મંડળો એક સાથે જોડાઇને ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશન બન્યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, બરોડ, જુનાગઢ, ભાવનગર, કચ્છના વાલી મંડળો જોડાયા છે. આ 27 મંડળોના કુલ 60 સભ્યો એક સાથે એક મંચ પર જોવા મળશે.
આમ શાળા સંચાલકો કહે તે મુજબ ફી ભરવામાં આવશે નહિ કારણ કે બધા વાલીઓ 25 ટકા સુધી ફી ભરી શકે તેમ છે જેથી 75 ટકા ફી માફ થવી જ જોઈએ.
આમ વાલીઓ પણ એકજૂથ થયા છે અને શાળા સંચાલકો ની દાદાગીરી સામે ઝુકવા તૈયાર નથી
