અમદાવાદમાં વધુ એક કુદરતી પાર્ક પબ્લીક માટે ખુલ્લો મુકાયો છે.
વિગતો મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 2.25 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બાયોડાયવર્સિટી પાર્ક આજે સોમવારે લોકો માટે ખુલ્લો મૂકાયો છે. 20 હજાર ચોરસ મીટરમાં બનાવાયેલા આ પાર્કમાં 120 પ્રકારના 7 હજાર જેટલા વૃક્ષો છે, જેમાં લુપ્ત થઈ રહેલા વૃક્ષો ને બચાવવા માટે અહીં આવા વૃક્ષો રોપવામાં આવ્યા છે જેમાં અંજીર, અરીઠા, કૈલાસપતિ, રક્તચંદન, સીસમ, સી-ગ્રેપ, પાઈનેપલ, બાવોબ (રૂખડો), ચરોલી, ઢવ, ખીજડો, ખેર, પીલખન જેવા વૃક્ષો નો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ચીકુ, કરમદા, મોસંબી, નારંગી, દાડમ, જાંબુ, સેતુર, ગુંદા જેવી ફળાઉ વનસ્પતિઓ પણ વાવવામાં આવી છે. જેના ફળનો ઉપયોગ પક્ષીઓ પણ ખોરાક માટે કરી શકશે. 35 કરતાં વધુ પ્રજાતિના પક્ષીઓ પણ પાર્કમાં આવી ગયા છે કારણ કે આજ વૃક્ષો પક્ષીઓ ના પ્રિય છે.
શહેરી વિસ્તારમાં આ પાર્કથી વિદ્યાર્થીઓ જંગલમાં જોવા મળતી વનસ્પતિઓને સરળતાથી ઓળખી શકશે.
બીજું કે લોકો ની સુરક્ષાને ધ્યાને લઈને આ પાર્ક સવારે 7 વાગ્યાથી સાંજના 5 કલાક સુધી ખુલ્લો રખાશે. આ પાર્કમાં કોઈ પણ પ્રકારનું કૃત્રિમ મટીરિયલ વપરાયું નથી તેમજ પાર્કની જાળવણીમાં કેમિકલનો ઉપયોગ કરાયો નથી. 5થી 12 વર્ષના બાળકની પ્રવેશ ફી રૂ.10 અને પુખ્તો માટે રૂ.20 ટિકિટ રખાઈ છે.આમ આજની પેઢી ને જુના વૃક્ષો અંગેની જાણકારી અને પર્યાવરણ અંગે રુચિ જળવાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
