યુપીમાં હાથરસ ઘટના ને આગળ કરીને મોટાપાયે જાતિ હિંસા ફેલાવવાના કૌભાંડ નો મામલો સામે આવી રહ્યો છે અને આ માટે વિદેશથી રૂ. 100 કરોડ ની રકમ પણ ફંડરૂપે આપવામાં આવી હોવાની વાત બહાર આવતા ભારે ખળભળાટ મચ્યો છે. પોલીસને આ આખા મામલા માં ભીમા આર્મી સામેલ હોવાના પુરાવાઓ મળી રહ્યા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમ્યાન એવા સંકેત મળી રહ્યા છે કે ભીમ આર્મી દ્વારા હાથરસ પીડિતના કેસમાં વિવાદ ઉભો કરાયો હતો. આરોપ છે કે ભીમ આર્મીના કેટલાક કાર્યકરો તેમના ઘરના સભ્યો તરીકે પીડિત પરિવારમાં રહેતા હતા અને પોલીસ, વહીવટ અને મીડિયા સાથે સતત વાતચીત કરતા હતા.
14 સપ્ટેમ્બરના રોજ પીડિતા પર હાથરસના એક ગામમાં ગેંગરેપનો આરોપ મૂકાયો હતો. પીડિતાનું સારવાર બાદ 15માં દિવસે મૃત્યુ થયું હતું. પોલીસે અડધી રાત્રે પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા બાદ આ કેસમાં હોબાળો થયો હતો આ ઘટનાએ રાજકીય રંગ ધારણ કરી લેતા પીડિતાના પરિવારને સુરક્ષા પૂરી પાડવાની માંગણી થતા પોલીસે પીડિતાના પરિવારની યાદી બનાવવાની શરૂઆત કરી ત્યારે મામલો સામે આવ્યો હતો.
પોલીસનો દાવો છે કે પરિવારના સભ્યોની યાદી બનાવતી વખતે જાણવા મળ્યું કે એક યુવતી સતત કેસમાં નિવેદનબાજી કરી રહી હતી તે પરિવારમાંથી ગાયબ હતી. આ સિવાય બીજા બે યુવકો ત્યાં જોવા મળ્યા ન હતા. પોલીસને આશંકા છે કે ત્રણેય ભીમ આર્મીના કાર્યકરો હતા જે લોકોને અહીં ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.તપાસ દરમ્યાન પીએફઆઈનું નામ સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં કેરળના એક પત્રકારની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર મામલા માં ઊંડે સુધી ઉતરી સત્ય બહાર લાવવા પ્રયાસો શરૂ કર્યા છે.
