અમદાવાદઃ આગામી તહેવારોની સીઝનમાં માંગ વધવાની અપેક્ષા સોના-ચાંદીમાં ફરી આજે રિકવરી જોવા મળી રહી છે. આજે અમદાવાદ બુલિયન બજારમાં સોનાના ભાવ રૂ.500 વધ્યા હતા અને પ્રતિ 10 ગ્રામ દીઠ કિંમત રૂ. 52,500 થઇ હતી. તો ચાંદીમાં સતત બીજા દિવસે આગેકૂચ ચાલુ રહી હતી. આજે શુક્રવારે ચાંદીનો ભાવ પ્રતિ કિગ્રા દીઠ રૂ. 61,500 થયા હતા જે ગઇકાલની સરખામણીએ ભાવમાં રૂ.1000નો ઉછાળો દર્શાવે છે. ગત ગુરુવારે ચાંદીનો ભાવ રૂ. 60,500 હતો. આમ છેલ્લા બે દિવસમાં ચાંદીમાં રૂ.2000ની રિકવરી આવી છે.
ઉલ્લેખનિય છે કે, વૈશ્વિક બજારમાં સોનું 1900 ડોલર અને ચાંદી 24 ડોલરની ઉપર ક્વોટ થઇ રહ્યા છે. જે અમેરિકાન અર્થતંત્રમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને પગલે ડોલરમાં આવેલી નબળાઇને આભારી છે. હજી પણ અમેરિકામાં રાહત પેકેજ અંગે અનિશ્ચિતતાનો માહોલ છે.
વૈશ્વિક બજારમાં સોનું 25.20 ડોલરના ઉછાળે 1919 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. તો ચાંદી સાધારણ મજબૂતીમાં 24.46 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ રહ્યુ હતુ. ટકાવારીની રીતે આજે બંને કિંમતી ધાતુઓના ભાવ અનુક્રમે 1.33 ટકા અને 2.58 ટકા વધ્યા હતા.
દિલ્હી બુલિયન બજારમાં આજે સોનું રૂ. 236 વધીને રૂ. 51,558 પ્રતિ 10 ગ્રામ થયુ હતુ. તો ચાંદી રૂ. 376ના ઉછાળામાં રૂ. 62,775 પ્રતિ કિગ્રા થઇ હતી.
ઉચ્ચત્તમ ભાવથી હજી આટલુ સસ્તું છે સોનું
આ વર્ષે ઓગસ્ટમાં બંને કિંમતી ધાતુના ભાવ મહત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. ઓગસ્ટમાં 10 ગ્રામ સોનાના ભાવ 50,200 રૂપિયા અને ચાંદીનો ભાવ 80,000 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ રીતે સોનાના ભાવમાં આશરે 6000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો નોંધાયો છે.