ગુજરાત માં વિધાનસભા ની ચૂંટણીઓ સામે છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે ગુજરાત માં આવી ગુજરાત ભાજપ ના ઠંડા પડેલા માહોલ ને ગરમ બનાવી દેશે તેમ મનાઈ રહ્યું છે ભાજપ માં હાલ પક્ષપલટુઓ ને ટિકિટ આપવા મુદ્દે કેટલાક ભાજપીઓ નારાજ છે ત્યારે પક્ષ માં જોવા મળેલી સુસ્તી હવે મોદીજી ના આગમન સાથે દૂર થશે તેમ મનાઈ રહ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મોદી 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતી નિમિત્તે રાજ્યની મુલાકાત લેનાર હોવાનું કહેવાય છે. મોદી 31મીએ સી પ્લેન મારફતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જશે.
સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દર વર્ષે થાય છે. બીજી તરફ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોની તૈયારીઓ થઇ રહી છે. ગૃહ વિભાગ દ્વારા સીઆરપીએફ અને ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
જેમાં નરેન્દ્રભાઈ મોદી 30મીએ રાત્રે ગાંધીનગર આવશે અને માતા હીરાબા ના આર્શિવાદ લેવા જઇ શકે છે. 31મીએ સવારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેનનું ઉદ્ઘાટન કરીને તે જ પ્લેનની પ્રથમ ફ્લાઇટમાં બેસીને કેવડિયા કોલોની પહોંચશે જ્યાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા પરેડમાં હાજરી આપશે. પીએમઓ તરફથી હજુ સત્તાવાર કાર્યક્રમ અંગે પત્રકારો ને માહિતી અપાઈ નથી. બીજી તરફ ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ 3 નવેમ્બરે યોજાનાર છે તે પૂર્વે વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત પક્ષ ને ફળશે, જોકે કોરોના મહામારીના કારણે મોદી ચૂંટણી સભા સંબોધે તેવી શક્યતા હાલ જણાતી નથી. પણ મોદીજી ની હાજરી થી ભાજપ માં જોશ આવશે તે નક્કી છે અને તેનો ફાયદો ચૂંટણી માં થઇ શકશે.
