અમદાવાદ માં મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં થલતેજ સર્કલથી થલતેજ ગામ સુધીના લગભગ એક કિલોમીટરના રૂટ પર 350 જેટલા કાચા પાકા બાંધકામ દબાણમાં આવતા હોય આ તમામ દબાણ હટાવવા અને તેના બદલે મકાન માલિકોને વળતર ચુકવવાના મુદ્દે લગભગ 5 વર્ષથી ચાલી રહેલા વિવાદ વચ્ચે આખરે તંત્ર એ રૂટ બદલી મકાનો બચાવી લેતા વિવાદ નો અંત આવ્યો છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને (જીએમઆરસી) પીવીઆર સિનેમાની બાજુમાં રોડ પર તૈયાર થઈ રહેલા થલતેજ સ્ટેશનની ડિઝાઈનમાં નજીવો ફેરફાર કરવાની સાથે કોરિડોર (રૂટ)માં પણ બદલાવ કરી દીધો છે.
નવી ડિઝાઈન મુજબ હવે મેટ્રો પિલર હાલના 12 મીટર પહોળા રોડની વચ્ચેથી પસાર થઈ થલતેજ ગામ સ્ટેશન સુધી જશે. નવી ડિઝાઈન મુજબ હવે કોઈ પણ મકાન કપાતમાં નહીં જાય. જો કે રોડ પર આવતા 6 જેટલા મકાનોનો નજીવો હિસ્સો જ દબાણમાં આવતાં તે દૂર કરવામાં આવશે. મકાનો તૂટતાં રોકવા માટે મેટ્રો રૂટની ડિઝાઈનમાં ફેરફારનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાય છે.હાલમાં વસ્ત્રાલ ગામથી થલતેજ સર્કલ નજીક પીવીઆર સિનેમા સુધી કોરિડોરની કામગીરી કરાઈ રહી છે. થલતેજથી થલતેજ ગામ સુધીના લગભગ 900 મીટર લાંબા રૂટ પર રાજ એવન્યુ, અભિક્રમ સોસાયટી, અંકન એપાર્ટમેન્ટ, ઠાકોરવાસ સહિત અન્ય બાંધકામોમાં 350 જેટલા મકાનો દબાણમાં આવતા હતા. આ મકાન માલિકોને અલગ અલગ જંત્રીના બદલે સરખા ભાવે વળતર ચૂકવવાની માંગણી કરી રહ્યા હતા અને છેલ્લા 5 વર્ષ થી કોકડું ગૂંચવાયેલું હતું.
પરિણામે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો. આ સ્થિતિમાં હવે જીએમઆરસી દ્વારા પીવીઆર સિનેમા પાસે તૈયાર થઈ રહેલા થલતેજ સ્ટેશનની ડિઝાઈનમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેશનનો કોન્કોર એરિયા યથાવત રહેશે જ્યારે ઉપરનો પ્લેટફોર્મ 40 મીટર પાછળ (દૂરદર્શન તરફ) કેન્ટી લિવર સ્ટ્રક્ચરના આધારે ખસેડવામાં આવશે. જેથી રૂટને ત્યાંથી વળાંક આપી રોડની વચ્ચેથી પસાર કરવામાં આવશે એટલે કે અગાઉના રૂટથી જમણી બાજુ શિફ્ટ કરવામાં આવશે. નવી ડિઝાઈન મુજબ રોડ પર આવતા 6 મકાનોમાં કુલ 4 સ્ક્વેર મીટર જમીનનું સંપાદન કરવામાં આવનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. આ વાત ને લઈ સ્થાનિક રહીશો માં ખુશી જોવા મળી હતી.
