તમારા ખિસ્સામાં રહેલો ફોન ‘જાસૂસ’ તો નથી ને? સ્પાયવેરના વધતા ખતરા અંગે ચોંકાવનારો ખુલાસો
આજના સમયમાં આપણે આપણી અંગત પળોથી લઈને બેંકિંગ વિગતો સુધીનું બધું જ સ્માર્ટફોન કે લેપટોપમાં રાખીએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ખિસ્સામાં રહેલું આ ઉપકરણ તમારી જ જાસૂસી કરી શકે છે? તાજેતરના એક ચોંકાવનારા રિપોર્ટ મુજબ, હવે દુનિયાના 100થી વધુ દેશો પાસે એવા સ્પાયવેર છે જે મિનિટોમાં તમારા ડિજિટલ જીવનમાં ઘૂસણખોરી કરી શકે છે.
યુકે નેશનલ સાયબર સિક્યોરિટી સેન્ટરના આ અહેવાલે દુનિયાભરમાં ફફડાટ ફેલાવી દીધો છે. થોડા વર્ષો પહેલા સુધી માત્ર 80 દેશો પાસે આવા કમર્શિયલ સ્પાયવેર હતા, પરંતુ હવે આ આંકડો 100ને પાર કરી ગયો છે. આનો સીધો અર્થ એ છે કે ડિજિટલ સર્વેલન્સ એટલે કે દેખરેખનો ખતરો હવે પહેલા કરતા અનેકગણો વધી ગયો છે.
માત્ર ગુનેગારો જ નહીં, હવે સામાન્ય લોકો પણ નિશાના પર?
એક જમાનો હતો જ્યારે સ્પાયવેરનો ઉપયોગ માત્ર ટોચની ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા આતંકવાદીઓ કે મોટા ગુનેગારોને ટ્રેક કરવા માટે કરવામાં આવતો હતો. પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે સરકારો આ સ્પાયવેરનો ઉપયોગ પત્રકારો, સામાજિક કાર્યકરો અને વિરોધ પક્ષના નેતાઓની જાસૂસી કરવા માટે પણ કરી રહી છે.
તમને પેગાસસ (Pegasus) સ્પાયવેરનો વિવાદ તો યાદ જ હશે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં આરોપ લાગ્યો હતો કે લોકોના ફોનમાં ગેરકાયદેસર રીતે આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને તેમની વાતો સાંભળવામાં આવતી હતી. આ ઘટનાએ સાબિત કરી દીધું કે હવે કોઈની પણ પ્રાઈવસી સુરક્ષિત નથી.
શું હોય છે આ સ્પાયવેર અને તે કેવી રીતે કામ કરે છે?
સ્પાયવેર એટલે એક પ્રકારનો ‘માલવેર’ (ઝેરી સોફ્ટવેર), જેનો એકમાત્ર ઉદ્દેશ્ય ડેટા ચોરવાનો હોય છે. તે તમારા ડિવાઇસમાં એવી રીતે ઘૂસી જાય છે કે તમને તેની ગંધ સુધ્ધાં આવતી નથી.
- ડેટા ચોરી: તે તમારા મેસેજ, ફોટા, ઈમેલ અને કોન્ટેક્ટ લિસ્ટની ચોરી કરી શકે છે.
- ટ્રેકિંગ: તમે ઓનલાઇન શું સર્ચ કરો છો અને ક્યાં જાઓ છો (GPS) તેની પળેપળની વિગત જાસૂસ સુધી પહોંચાડે છે.
- કેમેરા અને માઇક્રોફોન: આ સૌથી ખતરનાક પાસું છે. સ્પાયવેર તમારી જાણ બહાર તમારા ફોનનો કેમેરો ઓન કરી શકે છે અને તમારી ખાનગી વાતો રેકોર્ડ કરી શકે છે.
- કેવી રીતે ફેલાય છે: ક્યારેક માત્ર એક વોટ્સએપ મિસ્ડ કોલથી, તો ક્યારેક કોઈ લલચામણી એપ કે ફેક લિંક દ્વારા તે તમારા ફોનમાં જગ્યા બનાવી લે છે.
તમારો ફોન જાસૂસીનો શિકાર છે કે નહીં? આ રીતે ઓળખો
જો તમારા સ્માર્ટફોન કે લેપટોપમાં નીચે મુજબના લક્ષણો દેખાય, તો સાવધ થઈ જજો:
૧. ધીમી સ્પીડ: જો ફોન અચાનક બહુ ધીમો થઈ જાય અથવા વારંવાર હેંગ થવા લાગે.
૨. બેટરી અને ડેટા: જો તમે ફોનનો ઉપયોગ ન કરતા હોવ છતાં બેટરી ઝડપથી ઉતરી જતી હોય અને ઇન્ટરનેટ ડેટા વધુ વપરાતો હોય. ૩. અજીબ પોપ-અપ્સ: સ્ક્રીન પર વારંવાર અજાણી જાહેરાતો કે મેસેજ આવવા લાગે.
૪. રી-ડાયરેક્શન: તમે ગૂગલ ખોલો અને ફોન તમને કોઈ અજાણી વેબસાઈટ પર લઈ જાય.
બચવા માટે શું કરવું?
સાયબર નિષ્ણાતો મુજબ, સો ટકા સુરક્ષા શક્ય નથી, પણ આ સાવચેતી રાખવાથી તમે જોખમ ઘટાડી શકો છો:
- અપડેટ રાખો: હંમેશા તમારા ફોનનું સોફ્ટવેર અને એપ્સ લેટેસ્ટ વર્ઝન પર અપડેટ રાખો. કંપનીઓ અપડેટમાં સુરક્ષા માટેના ‘પેચ’ મોકલતી હોય છે.
- અજાણી લિંક્સ: વૉટ્સએપ કે ઈમેલ પર આવતી કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો, ભલે તે તમારા મિત્રએ મોકલી હોય.
- એપ ડાઉનલોડ: માત્ર Google Play Store કે Apple App Store પરથી જ એપ્સ ડાઉનલોડ કરો. ક્યારેય કોઈ વેબસાઈટ પરથી APK ફાઈલ ડાઉનલોડ ન કરવી.
- ટુ-સ્ટેપ વેરિફિકેશન: તમારા તમામ સોશિયલ મીડિયા અને બેંકિંગ એકાઉન્ટમાં ‘Two-Step Verification’ ઓન રાખો.
- જાહેરાતોથી બચો: સોશિયલ મીડિયા પર દેખાતી ‘લોટરી લાગી’ કે ‘મોબાઈલ જીતો’ જેવી લલચામણી જાહેરાતો પર ક્લિક કરવાનું ટાળો.
ટેકનોલોજી જેટલી સુવિધા આપે છે, એટલો જ ખતરો પણ લાવે છે. જ્યારે દુનિયાના 100 દેશો ડિજિટલ હથિયારોથી સજ્જ હોય, ત્યારે આપણી ‘ડિજિટલ હાઈજીન’ એટલે કે સાવધાની જ આપણો સૌથી મોટો બચાવ છે.

તમારો ફોન જાસૂસીનો શિકાર છે કે નહીં? આ રીતે ઓળખો