અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આજે કઈક એવું કર્યું કે લોકો ચોંકી ગયા.
પોલીસ ફરિયાદ લેવામાં વેઠ ઉતારતી હોવા અંગે મળેલી ફરિયાદો બાદ સંજય શ્રીવાસ્તવ પોલીસ પ્રજા સાથે કેવો વ્યવહાર કરે છે અને ફરિયાદ નોંધે છે કે નહિ તે તપાસવા માટે વહેલી સવારે જ કેટલાક પોલીસ સ્ટેશન માં સાદા ડ્રેસ માં પહોંચી જાતેજ રિયાલિટી ચેક કર્યું હતું.જોકે આ સમયે પોલીસ મથક માં હાજર કર્મચારીઓને ગંધ પણ ન આવી કે મોબાઇલ ચોરી ની ફરિયાદ લખાવવા આવેલા સજ્જન પોલીસ કમિશનર પોતે છે. રવિવારની વહેલી સવારે સાદા કપડામાં અને આંખો પર પહેરેલા ચશ્મા કાઢી મોઢા ઉપર માસ્ક બાંધી પોલીસ કમિશનર જાતે જ પોતાની ખાનગી કારમાં સાબરમતી, ચાંદખેડા અને રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી બની પહોંચી ગયા હતા. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ફરજ પરના પોલીકર્મીઓને કહ્યું કે, સાહેબ, મારો ફોન ચોરાઈ ગયો છે. મારે ફરિયાદ આપવી છે. જોકે, ત્રણેય પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ કોઈપણ આનાકાની વગર નોંધવામાં આવી હતી.
ફરજ પરના કર્મચારીએ તાત્કાલિક લેપટોપ ચાલુ કરી અને ફરિયાદ લખવાનું પણ ચાલુ કરી દીધું હતું. બાદમાં 7.50ની આસપાસ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચેક કરતા ત્યાં પણ પોલીસકર્મીઓએ તેમને બેસાડ્યા હતા. બાદમાં ચોરીની ફરિયાદ માટે વિગત પૂછી હતી અને બિલ તેમજ IMEI નંબર માગ્યા હતા. જે પછી આપી દઈશ તેવું કહ્યું હતું જેથી તેઓ માની ગયા હતા. 8.30ની આસપાસ રાણીપ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ કમિશનર ને બેસાડી ચોરીની ફરિયાદની રજુઆત સાંભળી હતી અને બાદમાં ફરિયાદ લખવાનું શરૂ કર્યું હતું.
ત્રણેય પોલીસ સ્ટેશનના કર્મચારીઓને ખબર ના પડી કે ફરિયાદ નોંધાવી રહ્યા છે તે પોલીસ કમિશ્નર છે. જોકે ફરજ દરમિયાન કેટલીક ભૂલ જણાઈ હતી જેમાં એક પોલીસ સ્ટેશનમાં શિફ્ટ પૂરી થતા પહેલા જ કર્મચારી એ કપડા બદલી નાખ્યા હતા. કેટલીક જગ્યાએ સ્ટાફ મોડો આવ્યો હતો. કોઈએ પણ ફરિયાદ નથી લેવી તેવું કહ્યું ન હતું. પોલીસ પ્રજા સાથે કેવો વ્યવહાર કરે છે એ જાણવાનો આ એક પ્રયાસ હતો. જેમાં પોલીસ ફરીયાદ લેતી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યુ હતુ. આમ પોલીસ કમિશનરે જાતે જ રીયાલીટી ચેક કરી સૌને ચોંકાવી દીધા હતા.
