મુંબઇઃ આગામી સમયમાં તમે ટુ-વ્હિલર ખરીદવા માટે કોઇ કંપનીના શો-રૂમમાં જાઓ તો તમને મોટો ઝટકો લાગી શકે છે. એવુ પણ બની શકે કે, તમને ઓટો લોન લેવામાં મુશ્કેલી પણ પડે. બેન્કો સતત વધી રહેલી એનપીએના લીધે લોન આપવામાં વધારે સાવચેતી થઇ ગઇ છે.
ડિફોલ્ટર્સની સંખ્યા વધી
બેન્કો વધી રહેલી એનપીએથી ચિંતિત છે અને તેને પગલે તેઓ કોમર્શિયલ વાહનો બાદ હવે ટુ-વ્હિલર માટેની લોન આપવામાં વધારે સાવધાની વર્તી રહી છે. તેના પગલે આ સેગમેન્ટમાં લોન ન ચૂકવનાર લોકોની સંખ્યા વધી રહીછે. પાછલા કેટલાંક મહિનાથી રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરવાની વાત કરી રહી છે પરંતુ બેન્કો ઘટેલા વ્યાજદરનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવાની ઇચ્છા રાખતી નથી.
બેન્કોના આ વલણને પગલે કેટલાંક સમયથી ટુ-વ્હિલર વાહનોની માટે લોન ન મળવાના કિસ્સા વધ્યા છે. એક અંદાજ મુજબ ટુ-વ્હિલર સેગમેન્ટમાં બે વર્ષ પહેલા જ્યે 50 ટકા ટૃ-વ્હિલર્સ વાહનોને લોન મળતી હતી, જે હાલ ઘટીને 40 ટકા સુધી આવી ગઇ છે. તહેવારોની સીઝનમાં અગાઉ બેન્કો ઘણી આકર્ષક લોનની સ્કીમ લાવતી હતી, પરંતુ હાલ એનપીએમાં સતત વધારાના કારણે ચાલુ વર્ષે આવી કોઇ આકર્ષક સ્કીમ દેખાઇ રહી નથી.
ઓછી આવક ધરાવતો વર્ગ છે ખરીદદાર
બેન્કોના આ વલણને પગલે ગ્રાહકોએ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીની પાસે લોન માટે દોડવું પડી રહ્યુ છે અથવા તો પછી તેમને રોકડમાં વાહન ખરીદવુ પડે છે. એક બાજુ એનબીએફસી બેન્કોની સરખામણીએ ટુ-વ્હિલર પર ફાઇનાન્સ માટે વધારે વ્યાજ વસૂલે છે. નિષ્ણાંતોનું માનવુ છે કે, નાણાંકીય સંસ્થાઓની માટે ટુ-વ્હિલર સેગમેન્ટને લોન આપવી પ્રાથમિકતા નથી, કારણે આ સેગમેન્ટમાં 50 ટકાથી વધારે ડિમાન્ડ સસ્તી એન્ટ્રી લેવલના ટુ-વ્હિલર માટેની હોય છે. કારણ કે તેમના મોટાભાગના ખરીદદારો ઓછી આવક ધરાવતા લર્ગના છે, જેઓ પહેલાથી જ લોકડાઉનના મારથી પરેશાન છે.