અમદાવાદઃ ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડા તરફી ચાલ રહી હતી. જેમાં અમદાવાદ ખાતે આજે સોનાનો ભાવ 100 રૂપિયા વધીને 52,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો. તો ચાંદીમાં આજે 1000 રૂપિયાનો કડાલો બોલાયો હતો અને ભાવ ઘટીને 62,000 રૂપિયા પ્રતિ 1 કિગ્રા થયા હતા. દિલ્હી બુલિયન બજારમાં સોનાનો ભાવ 133 રૂપિયા અને ચાંદીનો ભાવ 875 રૂપિયા ઘટ્યા હતા. આજના ઘટાડાને પગલે દિલ્હીમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51,989 રૂપિયા થયો હતો. તો ચાંદીનો ભાવ 63,860 પ્રતિ 1 કિગ્રા બોલાયો હતો.
ઉલ્લેખનિય છે કે, આગામી તહેવારોની સીઝન દરમિયાન માંગ વધવાની અપેક્ષા હાલ ભારતમાં સોનાના ભાવ પ્રીમિયમમાં બોલાવા લાગ્યા છે. કિંમતી પીળી ધાતુ સોનાના વિશ્વમાં સૌથી મોટા ગ્રાહક એવા ભારત દેશમાં સપ્ટેમ્બરમાં માત્ર 8.4 ટન સોનાની આયાત કરવામાં આવી છે જે વાર્ષિક તુલનાએ સોનાની આયાતમાં 38 ટકાનો ઘટાડો દર્શાવે છે.
વૈશ્વિક હજારમાં સોનું એકંદરે નજીવા ઘટાડે 1919 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતું. તો ચાંદી 24,89 ડોલર પ્રતિ ટ્રોય ઔંસના ભાવ એંકદરે સુસ્ત દેખાઇ રહી હતી.
હાલ તમામ બજારોની નજર અમેરિકાના નવા રાહત પેકેજ ઉપર છે, પરંતુ હજી સુધી સ્ટિમ્યુલસ પેકેજ અંગે કોઇ નક્કર નિર્ણય લેવાયો નથી. આથી હાલ ટ્રેડર્સની નજર બ્રિટેનની વેપાર સમજૂતી ઉપર છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને એક યુરોપિયન વેપાર સમજૂતીની રૂપરેખા તૈયાર કરવા માટે ગુરુવાર સુધી સમયસીમા નક્કી કરી છે.