અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ ઘટતા નવા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા પણ ઘટી ગઇ છે. ગુજરાતમાં મંગળવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1158 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1.53 લાખને વટાવી ગઇ છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1375 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1.35 લાખથી વધારે છે.
ગુજરાતમાં મંગળવારે કોરોના સંક્રમણથી વધુ 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 3587 લોકોને ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ મોત અમદાવાદ અને ત્યારબાદ સુરતમાં નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણથી 1856 અને સુરતમાં 813 લોકોના મોત થયા છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા 15209 છે, જેમાંથી હાલમાં 82 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 50,993 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 51,14,677 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,82,247 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,81,949 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 298 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ
- કુલ પોઝિટિવ કેસઃ 1,53,923
- કુલ એક્ટિવ કેસઃ 15,209
- કુલ મૃત્યુઆંકઃ 3587
- સાજા થયેલા દર્દીઓઃ 1,35,127
- આજે થયેલા કોરોના ટેસ્ટઃ 50,933
- કુલ કોરોના ટેસ્ટઃ 51,14,677
- ક્વોરોન્ટાઇન થયેલા લોકોઃ 5,82,247