શ્રીનંગરઃ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીને 14 મહિના બાદ નજરકેદમાંથી મુક્ત મળી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પહેલાથી જ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. એક વર્ષથી પણ વધારે સમય નજરકેદમાં રહ્યા બાદ હવે મહેબૂબા મુફ્તીને રાહત મળી છે અને તેમને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના એડમિનિસ્ટ્રેશને મહેબૂબા મુફ્તીને આજે છૂટા કરવાનો નિર્ણય કર્યો છે.
ઓગસ્ટ 2019માં મહેબૂલા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઓગસ્ટ 2020માં તેમની કેદ ત્રણ મહિના લંબાવવામાં આવી હતી.
તો વળી પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઉમર અબ્દુલાએ પણ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી છે. ઉમર અબ્દુલાએ મહેબૂબાનું સ્વાગત કરતા પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે, સતત નજરકેદ હેઠળ રાખવા લોકતંત્રના મૂળભૂતિ સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે
આપને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ત્યાંના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સહિત કેટલાય સ્થાનિક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. મહેબૂબા મુફ્તીને 434 દિવસ બાદ નજરકેદમાંથી મુક્તિ મળી છે. તેમના છૂટકારો થયા બાદ દિકરી ઈલ્તિજાએ ટ્વીટ કરી કહ્યુ હતું કે, મુશ્કેલ સમયમાં સાથ આપનારા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર.
નોંધનિય છે કે, ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પહેલા ત્યાંના પ્રમુખ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. મહેબૂબા મુફ્તી પણ એ નેતાઓમાં સામેલ હતા. મોટા ભાગના નેતાઓને છોડી મુકવામાં આવ્યા હતા, પણ મહેબૂબા હમણા સુધી નજરકેદમાં હતા.