નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઇમાં એક સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આજે મંગળવારે આશા વ્યક્ત કરી કે, આગામી જુલાઇ સુધી 20થી 25 કરોડ ભારતીયોને કોરોના વેક્સીનના 40-45 કરોડ ડોઝ આપવામાં આવી શકે છે. આગામી વર્ષની શરૂઆત સુધીમાં 1થી વધારે કોરોના વેક્સીન ઉપલબ્ધ થઇ જશે. સ
હર્ષવર્ધને કહ્યુ કે, આગામી જુલાઇ સુધીમાં 20થી 25 કરોડ ભારતીયોને કોરોના વેક્સીનના 40થી 45 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે વીડિયો કોન્ફરન્સ મારફતે કોરોના વાયરસ સંબંધિત ઉચ્ચત સ્તરીય મંત્રીમંડળની 21મી બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ એક ટ્વિટમાં કહ્યુ કે, અમે દેશમાં રસીના સામુહિક વિતરણની રણનીતિ તૈયાર કરી રહ્યા છે.
હર્ષવર્ધનનું નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, દેશમાં કોરોનાના દૈનિક નોંધાતા સરેરાશ નવા કેસોમાં છેલ્લા 5 સપ્તાહથી સતત ઘટાડો થઇ રહ્યો છે. હવે નવા કેસોનો ડબલિંગ પીરિયડ 3 દિવસથી વધીને 74.9 દિવસ થઇ ગયો છે.
હર્ષવર્ધને કોરોના ટેસ્ટિંગની ગતિ ધીમી પડી હોવાના આક્ષેપો નકાર્યા છે. તેમણે કહ્યુ કે, હાલ 1927 લેબ મારફતે કોરોના ટેસ્ટિંગ નોંધપાત્ર વધ્યુ છે. ભારતની કોરોના ટેસ્ટિંગની ક્ષમતા વધીને દૈનિક 15 લાખ સેમ્પલ ટેસ્ટિંગ થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ થયુ છે.
કોરોના કેસોની વાત કરીયે તો મંગળવારે માત્ર 24 કલાકમાં નવા પોઝિટિવ કેસોની સંખ્યા ઘટીને 60 હજારની નીચે જતી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ મંગળવારે 55,342 નવા કેસો નોંધાયા છે. 706 દર્દીઓના મોત સાથે કોરોનાનો કૂલ મૃત્યુઆંક 1,09,856 પહોંચી ગયો છે.
નોંધનિય છે કે, અત્યાર સુધી ભારતમાં કોરોના સંક્રમણના કૂલ 71,75,880 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાંથી 62 લાખથી વધારે લોકો સાજા થઇ ગયા છે.