આખરે લીંબડી બેઠક ઉપર જ્ઞાતિવાદને અવગણીને ભાજપે કિરીટસિંહ રાણાને ટિકિટ આપતા તમામ અટકળો નો અહીં અંત આવ્યો છે. કોળી મતદારોની બહુમતી ધરાવતી લીંબડી બેઠક ઉપર છેલ્લા કેટલાય સમયથી ભાજપના કોળી આગેવાનો જ આ બેઠક પર કોળી ઉમેદવારની માગ કરી રહ્યા હતા અને કોંગ્રેસ પણ અહીં કોળી ઉમેદવારને જ ટિકિટ આપવાની હોવાથી અહીં સીધો જંગ ક્ષત્રિય અને કોળી ઉમેદવાર વચ્ચે થશે જેથી લીંમડી બેઠક ઉપર સૌની નજર રહેશે. કિરીટસિંહ રાણા રાજ્યકક્ષાના મંત્રી અને સંસદીય સચિવ રહી ચૂક્યા છે. 2012 અને 2017માં રાણા વિધાનસભાની સામાન્ય ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઇ કોળીપટેલ સામે અને 2002માં ભવાન ભરવાડ સામે હાર્યા હતા. જોકે 2014ની લોકસભા ચૂંટણીમાં સોમાભાઇ કોળી પટેલે ઉમેદવારી કરી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તેથી યોજાયેલી પેટાચૂંટણીમાં રાણા જીત્યા હતા. આ પૂર્વે 1990માં કિરીટસિંહના પિતા જીતુભા અને ત્યારબાદ 1995, 1998 અને 2007માં કિરીટસિંહ આ બેઠક પરથી ચૂંટાયા હતા.
આ તરફ કોંગ્રેસ અહીં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસી નેતા કરમશી મકવાણાના કૌટુંબિક કલ્પના મકવાણાને ટિકિટ આપે તેવી ખૂબ મોટી શક્યતા છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે જેરામ મેણિયા નામના સ્થાનિક કોળી નેતાનો વિકલ્પ પણ ઊભો રખાયો છે. જો સોમાભાઇ અહીંથી અપક્ષ ઊભા રહે તો કોળી મતો વહેંચાતા ભાજપને ફાયદો થાય તેમ જાણકારો નું માનવું છે. આમ જંગ શરૂ થઈ ચૂક્યો છે અને પરિણામ આવે ત્યાં સુધી લોકો માં ઉત્સુકતા રહે તે મુજબ ની ટિકિટ ની ફાળવણી થતા ચૂંટણી ઉત્સુકતા સભર બની રહી છે.
