ગુજરાતમાં કેવડિયા ની પીએમ મુલાકાત લે તે પહેલાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, PM મોદીના આગમન પૂર્વે કેવડિયાને કોરોના ફ્રી બનાવવા માટે અભિયાન શરૂ થયું છે અને મોટાપાયે ટેસ્ટ કરવામાં આવી રહયા છે.
કેવડિયા ખાતે 31 ઓક્ટોબરે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. પીએમ સી-પ્લેન મારફતે અમદાવાદથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર-3 ખાતે આવશે.
હાલ કેવડિયાના 10 કિમી વિસ્તારમાં સ્ટેચ્યુના કર્મચારી, સુરક્ષા જવાનો તેમજ આસપાસના 6 ગામોના લોકો મળી કુલ 18 હજારથી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ નજીક તળાવ નંબર-3 ખાતે સી-પ્લેનની જેટી અને ટર્મિનલનું કામ યુદ્ધના ધોરણે ચાલુ કરાયું છે.
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા પાલિકાને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારોમાં સેનેટાઈઝેશન કરવા આદેશ કરાયો છે. 31 મી ઓક્ટોબરે સુરક્ષા માટે પેરામિલીટરી, SPG, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટાફ તથા અન્ય કર્મીઓ હાજર રહેવાના હોય 20 થી 28 ઓક્ટોબર સુધીમાં આશરે 18 હજાર લોકોના 2 થી 3 વખત RT PCR તથા રેપીટ એન્ટીજન કોવિડ ટેસ્ટ કરવાનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવાના હોવાથી એન્ટીજન ટેસ્ટ માટેની 5000 કીટ ઉપલબ્ધ કરાવવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે રાજ્ય કક્ષાએ માંગણી કરી છે.
આ પહેલાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2800 કર્મચારીઓનું કોરોના ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 50 જેટલાં પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ કેસોમાં સ્ટેચ્યુની સુરક્ષા અર્થે આવેલી CISFના 13 જવાનો પણ સામેલ હતા. આ બધી બાબતો જોતાં ફરીથી માસ ટેસ્ટ કરવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
