વલસાડ જિલ્લા માં છેલ્લા 2 દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે અને વરસાદ પડતાં ખેડૂતો ચિંતા માં પડી ગયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લા માં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઇ ગયું છે. ઉમરગામ તાલુકામાં ગત મોડી સાંજે ગાજવીજ સાથે અડધો કલાક વરસાદ પડતા ડાંગર ના પાક સહિત કાઠાંના ગામોમાં દરિયા કિનારે સુકવવા મુકેલા બૂમલા વરસાદી પાણી માં પલળી જતા ખેડૂતો અને માછીમારો માં ચિંતા પ્રસરી હતી તેમજ બુમલા પલળી જતા હવે પછીના તબબકા માં દુર્ગંધ ફેલાવાની શક્યતા વધી ગઈ છે. નવરાત્રિ પહેલા પાછોતરા વરસાદની આગાહીથી ખેડૂતો ની ચિંતા વધી છે. હવામાન વિભાગે 15 થી 17 ઓક્ટોબર દરમિયાન વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરતાં કલેકટર આર.આર.રાવલે વહીવટી તંત્રને એલર્ટ રહેવા તાકીદ કરી છે.જેમાં વલસાડ, ધરમપુર,પારડી,કપરાડા,ઉમરગામ અને વાપીના પ્રાંતને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે. હાલ પડેલા વરસાદ ના આંકડા જોઈએ તો ઉમરગામમાં 5, ધરમપુરમાં 2, કપરાડામાં 8 અને વલસાડમાં 1 એમએમ વરસાદ નોંધાયો છે.
વરસાદની સંભાવના જોતા જિલ્લા વહીવટી તંત્રના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને હેડક્વોર્ટરમાં જ હાજર રહેવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ કાર્યવાહી કરવા તાકીદ કરી છે.શેહરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાના કિસ્સામાં તાત્કાલિક નિકાલ વ્યવસ્થા ગોઠવવા અને નદી કિનારે નીચાણના વિસ્તારોમાં તકેદારીના તમામ પગલાં લેવા અને જો કોઇ ઘટના બને તો કન્ટ્રોલરૂમ નં. 02632-243238,240212 ઉપર જાણ કરવા જણાવાયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આમ , વલસાડ જિલ્લા માં જામેલા વાદળીયા હવામાન વચ્ચે વરસાદ પડવાની સંભવિત સ્થિતિ ને લઈ તંત્ર એલર્ટ બન્યું છે તો બીજી તરફ ડાંગર ના પાક ને નુકશાન જવાની ભીતિ ઉભી થઇ છે.
