નવી દિલ્હીઃ દેશના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે શુક્રવારે કહ્યુ કે, વર્ષ 2020-21ની ખરીફ સીઝનમાં કુલ 1445.2 લાખ ટન ખાદ્યાન્નનું ઉત્પાદન થવાનો અંદાજ છે. સરકારના સત્તાવાર આંકડાઓ મુજબ વર્ષ 2019-20ની ખરીફ સીઝન દરમિયાન દેશમાં અનાજનું કુલ ઉત્પાદન 1433.8 લાખ ટન નોંધાયુ હતું.
કૃષિ મંત્રીએ ઔદ્યોગિક સંગઠન સીઆઇઆઇ દ્વારા આયોજીત એક ડિજિટલ સંમેલનને સંબોધિત કરતા કહ્યુ કે, ખાદ્યાન્ન ઉત્પાદન પાછાલ વર્ષની તુલનામાં એકંદરે સારુ રહેશે. આરંભિક અંદાજો મુજબ વર્ષ 2020-21ની ખરીફ સીઝનમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 1445.2 લાખ ટન થવાનો અંદાજ છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, ચાલુ ખરીફ સીઝન દરમિયાન દેશમાં શેરડી અને કપાસ જેવા રોકડીયા પાકોનું ઉત્પાદન પણ ઉંચુ રહેશે. કોરોના મહામારીના અવરોધો હોવા છતાં ચાલુ વર્ષે ખરીફ પાકોના વાવેતરમાં રેકોર્ડ 4.51 ટકાની વૃદ્ધિ થઇ અને 1121.75 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી. નોંધનિય છે કે, ચોખા/ડાંગર એ ખરીફ સીઝનનો મુખ્ય કૃષિ પાક છે. હાલ દેશમાં ખરીફ પાકોની લણણી ચાલી રહી છે.
કૃષિ મંત્રીએ કહ્યુ કે, કૃષિ એ ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે.નાણાંકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક દરમિયાન આ ક્ષેત્રે 3.4 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. નવા કૃષિ કાયદાઓ અંગે, મંત્રીએ કહ્યુ કે, ખેડૂતોને સુધારણાઓ અંગે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમણે એ વાતનું પુનરાવર્તન કર્યુ કે, ટેકાના ભાવે પ્રાપ્તિની સાથે સાથે કૃષિ મંડીઓ દેશમાં કાર્યરત રહેશે.