નવી દિલ્હીઃ વાહન ઉદ્યોગની ગાડી ધીમી ધીમે પાટે ચઢી રહી હોવાના સંકેત મળ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં દેશમાં પેસેન્જર વાહનોનું કુલ વેચાણ વાર્ષિક તુલનાએ 26.45 ટકા વધીને 2,72,027 યુનિટ નોંધાયુ છે. વર્ષ પૂર્વેના સમાન મહિનામાં 2,15,124 કાર સહિતના પેસેન્જર વ્હિકલ્સ વેચાયા હતા.
વાહન ઉત્પાદક કંપનીઓના સંગઠન SIAM આજે શુક્રવારે આની જાણકારી આપી હતી. SIAMના તાજેતરના આંકડા અનુસાર, આ દરમિયાન ટુ-વ્હિકલ્સનું વેચાણ એક વર્ષ પહેલાની 16,56,658 એકમની તુલનામાં 11.64 ટકા વધીને 18,49,546 એકમ પર પહોંચી ગયું છે. આ દરમિયાન 12,24,117 મોટરસાઈકલોનું વેચાણ થયું, જે એક વર્ષ પહેલાના 10,43,621 યુનિટની તુલનાએ 17.3 ટકા વધુ છે. સ્કૂટરોના વેચાણમાં વર્ષ પહેલાના 5,55,754 એકમ રહ્યું હતું. જુલાઈ-સપ્ટેમ્બર 2020ના ક્વાર્ટરમાં પેસેન્જર વાહનોનું વેચાણ પાછલા વર્ષની સમાન અવધિથી 17.02 ટકા વધીને 7,26,232 એકમ રહ્યું. એક વર્ષ પહેલા આ 6,20,620 યુનિટ રહ્યું હતું.
આ નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ટુ-વ્હિકલ્સનેં વેચાણ 46,90,565 એકમ રહ્યું, જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 46,82,571 યુનિટ હતું. જો કે, કોમર્શિયલ વાહનોના વેચાણમાં આ દરમિયાન 20.13 ટકાનો ઘટાડો જોવા મળ્યો. વર્ષ પહેલાના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1,67,173 કોમર્શિયલ વાહનોનું વેચાણ થયું હતું, જે ઘટીને 1,33,524 એકમ પર આવી ગયું. તમામ શ્રેણીઓના વાહનોનું કુલ વેચાણ બીજા ક્વાર્ટરમાં મામૂલી ઘટીને 55,96,223 યુનિટ પર આવી ગયું. વર્ષ અગાઉ તમામ કેટેગરીમાં 56,51,459 વાહનોનું વેચાણ થયું હતું.