ગુજરાતમાં મેડીકલ શિક્ષણની સુવિધા એટલી બઘી વધી ચૂકી છે કે મેડીકલ ફેકલ્ટીમાં આવવા માગતા વિદ્યાર્થીઓને ઓછા ટકાએ પણ એડમિશન મળી શકે છે. મેડીકલ કોલેજમાં રાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવતી પરીક્ષામાં માત્ર ઉચ્ચ ગુણાંક મેળવવાના હોય છે.
ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે મેડીકલ કોલેજોની સંખ્યા માત્ર 10 હતી અને તેમાં બેઠકોની સંખ્યા 1180 હતી. આટલી ઓછી કોલેજો અને બેઠકોના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓને મેડીકલમાં પ્રવેશ મળતો નહીં હોવાથી તે વિદ્યાર્થી બીજા રાજ્યમાં અથવા તો વિદેશમાં જતો રહેતો હતો. એટલું જ નહીં મેડીકલમાં અભ્યાસ કરવા માટે 50 લાખ સુધીના ડોનેશન આપવામાં આવતા હતા.
2002 પછી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મેડીકલ કોલેજોની સંખ્યા વધારવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા પરંતુ કેન્દ્રમાં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે ગુજરાતને મેડીકલ કોલેજો મળતી ન હતી. મેડીકલ કોલેજોને માન્યતા આપવામાં તેમજ બેઠકો વધારવામાં કૌભાંડો થતાં હતા. એ સમયે મોદીએ કહ્યું હતું કે મારે ગુજરાતના જેટલા જિલ્લા છે તેટલી મેડીકલ કોલેજો શરૂ કરાવવી છે. આજે 18 વર્ષ પછી પરિસ્થિતિ ઘણી બદલાઇ ગઇ છે.
મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે આજે મોટાભાગના રાજ્યોમાં હોસ્પિટલ અને મેડીકલ કોલેજો ઉભી થઇ છે. મધ્ય ગુજરાતના ભરૂચને પણ હવે તો 300 બેડની હોસ્પિટલ અને 150 બેઠકો સાથેની મેડીકલ કોલેજ મળી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું છે કે રાજ્યમાં આજે જિલ્લા કરતાં વધારે એટલે કે 34 મેડીકલ કોલેજોને માન્યતા મળી ચૂકી છે અને તેમાં બેઠકોની સંખ્યા વધીને 6150 થઇ છે.