નવી દિલ્હીઃ દિવાળી નજીક આવી રહી છે તેમ-તેમ સોના-ચાંદીના ભાવ વધી રહ્યા છે. આજે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. દિલ્હીના સોના-ચાંદી બજારમા આજે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 512 રૂપિયા વધીને 51,415 રૂપિયા થયો હતો. તો ચાંદી પણ 1448 રૂપિયા ઉછળીને 64,015 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ હતી. જે લગભગ એક મહિનાનો સૌથી ઉંચો ભાવ છે.
વૈશ્વિક બજારમાં સોનું ઉછળીને 1921 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ અને ચાંદી 25.10 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ હતી. વૈશ્વિક બુલિયન બજારમાં મજબૂતી અને ડોલર સામે રૂપિયામાં નરમાઇની સામે સ્થાનિક બજારમાં ચાલુ તહેવારોની સિઝન દરમિયાન માંગ વધવાની અપેક્ષાથી સોના અને ચાંદીના ભાવ આજે ઉછળીને એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. આજે ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ટ્રેડિંગના શરૂઆતમાં ઉંચકાયો હતો પરંતુ 9 પૈસાની નરમાઇમાં 73.58ના સ્તરે બંધ થયો હતો.
આજે અમદાવાદ ખાતે પણ સોનાના ભાવમાં 500 રૂપિયા અને ચાંદીમાં 1000 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. આજના ઉછાળા સાથે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 53,000 અને ચાંદી રૂ. 63,500 પ્રતિ કિગ્રા થઇ હતી. છેલ્લે અમદાવાદમાં 21મી સપ્ટેમ્બરના રોજ સોનાનો ભાવ રૂ. 53,100 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ.64,000 પ્રતિ કિગ્રા બોલાઇ હતી.
હાજરની સાથે વાયદા બજારમાં પણ કિંમતી ધાતુઓના ભાવ વધ્યા હતા. એમસીએક્સ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો આજે ઉપરમાં રૂ. 51,235 ક્વોટ થઇ આ લખાય છે ત્યારે સાંજે 271 રૂપિયાના સુધારામાં 51181 રૂપિયા ક્વોટ ઇ રહ્યો હતો. તો એમસીએક્સ ચાંદીનો ડિસેમ્બર વાયદો આજે 700 રૂપિયા ઉપરમાં 63875 રૂપિયાની સપાટીને સ્પર્શ્યો હતો.