મુંબઇઃ વિશ્વમાં સ્ટીલ કિંગના નામે જાણીતા અને ભારતીય મૂળના દિગ્ગજ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના નાના ભાઇ પ્રમોદ મિત્તલે પણ નાદારીના આરે આવીને ઉભા છે. પ્રમોદ મિત્તલ ઉપર 24 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. એક સમયે પોતાની પુત્રીના લગ્નમાં 500 કરોડ રૂપિયા ખર્ચ કરી નાખનાર પ્રમોદ મીડિયામાં છવાયા હતા.
પ્રમોદ મિત્તલનું કહેવું છે કે તેમના પર હાલ રૂ. 23,750 કરોડનું દેવું છે અને પોતાની તમામ સંપત્તિ એક સોદામાં ગુમાવી દીધી છે. હવે તેમની પાસે આવકનું પણ કોઈ સાધન નથી. સિવાય કે દિલ્હીમાં તેમનો એક પ્લોટ છે, જેની કિંમત ફક્ત 45 પાઉન્ડ (આશરે રૂ. 4300 ) છે. તેમની પાસે કુલ રૂ. દોઢ કરોડ જમા રહી ગયા છે. તેમની સામે હવે જીવન વિતાવવાનું સંકટ છે કારણ કે, તેમનો દર મહિનાનો ખર્ચ રૂ. બે લાખ છે.
પ્રમોદ મિત્તલ પર બ્રિટન સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન (STC)નું રૂ. 2,210 કરોડનું દેવું હતું. 2019માં પણ છેતરપિંડીના આરોપમાં તેમની બોસ્નિયામાં પણ ધરપકડ કરાઈ હતી. આ કેસ કોલસા પ્લાન્ટ જીઆઈકેઆઈએલ સંબંધિત છેતરપિંડીના મામલા સાથે સંકળાયેલો છે. તેમના મોટા ભાઈ લક્ષ્મી મિત્તલે બે વાર લીગલ કાર્યવાહીથી બચવામાં તેમની મદદ પણ કરી હતી.
પ્રમોદ મિત્તલ એક હજાર કર્મચારીઓ ધરાવતી ફર્મ 2003થી ચલાવતા હતા. તેઓ જીઆઈકેઆઈએલના સુપરવાઈઝરી બોર્ડના વડા હતા. આ પ્લાન્ટના ખાતામાંથી આશરે રૂ. 84 કરોડના શંકાસ્પદ ટ્રાન્સફર અંગે પૂછપરછ કરવા પર તેમની અટકાયત કરાઈ હતી. ગયા વર્ષે તેમને રૂ. 92 કરોડની જામીન પર મુક્ત કરાયા હતા. ત્યારે મીડિયામાં એવા અહેવાલ હતા કે, બંને ભાઈ વચ્ચે સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો છે. આર્સેલરના કારોબારમાં હિસ્સેદારી દુનિયાની સૌથી મોટી સ્ટીલ નિર્માતા કંપની આર્સેલર મિત્તલમાં પ્રમોદ મિત્તલનો હિસ્સો રૂ. 28,200 કરોડ રહી છે. લક્ઝમબર્ગ સ્થિત આ કંપનીનો કુલ બિઝનેસ રૂ. 84,600 કરોડનો છે. લક્ષ્મી મિત્તલ બ્રિટનના 19માં સૌથી અમીર વ્યક્તિ છે.