કોરોના સંક્રમણ કભી ખુશી, કભી ગમ જેવો માહોલ સર્જી રહ્યું છે. ક્યારેક કેસોની સંખ્યા ઘટી જાય છે તો ક્યારેક કેસો વિક્રમી ગતિએ વધી જાય છે, આ સંજોગોમાં આરોગ્ય વિભાગના તજજ્ઞોના મતે ભારત અને ગુજરાતે કોરોના ઉપરાંત સ્વાઇન ફ્લૂ અંગે તકેદારી રાખવાની આવશ્યકતા છે, કારણ કે આ વખતે શિયાળાની ઠંડીમાં આ બન્ને રોગ વકરે તેવી દહેશત છે.
આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે આપણે ઇચ્છીએ કે ડિસેમ્બર સુધીમાં કોરોના સંક્રમણની માત્રા ઘટી જાય પરંતુ શિયાળામાં કોરોના વધુ ફેલાય તેવી સંભાવના પણ જોવામાં આવી રહી છે. વિશ્વના તજજ્ઞો પણ કહે છે કે શિયાળામાં કોરોનાના વિષાણુંઓ ઝડપથી ફેલાય છે તેથી વધારે તકેદારી રાખવાની જરૂર પડશે. જો કે કેન્દ્ર કે રાજ્ય સરકારે શિયાળાની કોઇ ગાઇડલાઇન હજી સુધી આપી નથી.
એઇમ્સના ડાયરેક્ટરના નિવેદનને સમર્થન આપતાં રાજ્યના આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે શિયાળામાં સ્વાઇન ફ્લૂ જેમ ઝડપથી ફેલાય છે તેમ કોરોના પણ ઝડપથી ફેલાઇ શકે છે. ગુજરાતમાં કોરોના સંક્રમણની શરૂઆત માર્ચ મહિનાના મધ્યમાં થઇ હતી ત્યારે ઉનાળાની શરૂઆત હતી. હવે નવરાત્રી પછી ધીમે ધીમે ઠંડી શરૂ થશે ત્યારે કોરોનાની સ્થિતિ કેવી રહે છે તેનું અમે બારીકાઇથી નિરીક્ષણ કરી રહ્યાં છીએ.
શિયાળામાં લોકોએ માસ્ક તો અવશ્ય પહેરવા પડશે પરંતુ સોશ્યલ ડિસ્ટન્સીંગ બાબતે નવી કોઇ ગાઇડલાઇન આવે તેવી સંભાવના છે, કારણ કે બે ગજની દૂરી પણ કોરોના સંક્રમણથી બચાવી શકશે નહીં. શિયાળામાં લોકોને ઝડપથી શરદી, કફ અને ખાંસી થતી હોય છે. આરોગ્ય અધિકારીએ સંકેત આપ્યો હતો કે ગુજરાત સરકાર શિયાળાની શરૂઆતમાં કોરોનાના કેસોની સમીક્ષા કરશે. જો કેસ વધતા જશે તો સલામતી માટેની નવી ગાઇડલાઇન આવી શકે છે.