સમગ્ર ભારત માં નવરાત્રી પર્વ માં માતાજી ની પૂજા આરાધના થઈ રહી છે ત્યારે આ વર્ષે છઠ્ઠા નોરતાંથી એક જ દિવસે બે તિથિનો સંયોગ ચાલતો હોય ભાવિકો દ્વિધા અનુભવી રહ્યા છે.
નવરાત્રિમાં આ વખતે છઠ્ઠા નોરતાંથી એક જ દિવસે બે તિથિનો સંયોગ શરૂ થયો છે. શનિવારે આઠમું અને નવમું નોરતું એકસાથે છે.
બીજી તરફ ઉદિત તિથિ નોમ રવિવારે સવારે 7.43 વાગ્યા સુધી જ હોવાથી અને ત્યાર બાદ દશેરાની તિથિ શરૂ થતી હોવાથી રવિવારે નવમું નોરતું અને દશેરા સાથે ગણાશે.
હિન્દુ પંચાંગ અનુસાર સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથિ માન્ય ગણવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ તિથિ 24 કલાક રહેતી હોય છે, પણ ઋતુકાળ પ્રમાણે સૂર્યોદયનો સમય બદલાવાથી કયારેક તિથિનો ક્ષય થાય છે તો કયારેક તિથિ લંબાય છે, જેને કારણે એક જ દિવસમાં બે તિથિનો સમન્વય થાય છે. દશેરાની દરેક ક્ષણ શુભ છે. મકાનનું વાસ્તુ, નવો વેપાર, યાત્રા-પ્રવાસ, નવી ઓફિસનું ઉદ્દઘાટન, માલ સંપત્તિનું ખરીદ-વેચાણ તથા દસ્તાવેજ કરવા શુભ ગણાય છે. વહીવટ વિભાગના વાર્ષિક કેલેન્ડર મુજબ સરકારી ઓફિસોમાં દશેરાની રજા રવિવારે છે.
વિ. સં. 2077ના ચોપડાની ખરીદી માટે દશેરાનું મુહૂર્ત ઉત્તમ
જ્યોતિષીના જણાવ્યા અનુસાર, દશેરાનું મુહૂર્ત વેપારી વર્ગ માટે ઉત્તમ મનાય છે. વેપારીઓ વિક્રમ સંવત 2077ના ચોપડાની ખરીદી રવિવારે કરી શકશે. વેપારીઓએ શુકનના ચોપડાની ખરીદી કરવા જતા પહેલાં શુકનનાં પતાસાં ખાઈ ગણેશજીને ઘીનો દીવો પ્રગટાવ્યા બાદ ચોપડાનો ઓર્ડર આપવો જોઈએ. આમ આ વખતે એકજ દિવસે બે તિથિ આવતા માતાજી ના નૈવેદ્ય અને પ્રસાદ , હવન વગરે માટે ભાવિકો માં દ્વિધા ઉભી થઈ હતી.
