વલસાડના અબ્રામાં ખાતે આવેલી માર્બલ ફેક્ટરી પાસે રહેતા મહેશભાઈ સોંલકીનો એકનો એક 25 વર્ષીય ભાર્ગવ છેલ્લા 4 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરી રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સિટીમાં ગ્લેનહંટલી વિસ્તારમાં મિત્રો સાથે રહેતો હતો.
વિગતો મુજબ ભાર્ગવ મોનાસ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કરી પીઆર માટે અરજી કરવાનો હતો.
ભાર્ગવ રાત્રે તેની નિશાન કારમાં સવાર થઈને ઘરે જઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન મેલબોર્નના એલવૂડ વિસ્તારમાં હોલ્ડન યુટે કારમાં સવાર ચાલકે બેફામ ઝડપે ધસી આવી ભાર્ગવની કારને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ભાર્ગવનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. આ ઘટના બાદ વિકટોરિયા પોલીસે અકસ્માત સર્જનાર હોલ્ડન યુટે કારમાં સવાર 23 અને 24 વર્ષના બે યુવાનોની અટકાયત કરી છે.
અકસ્માત બાદ ઓસ્ટ્રેલિયામાં રહેતા મૃતક ભાર્ગવના મિત્રો અને અન્ય ભારતીય મૂળના રહીશોએ ભાર્ગવના મૃતદેહને વતન ભારત પહોંચાડવા માટે આગળ આવ્યા હતા અને ભાર્ગવના મિત્રો દ્વારા મદદ માટે સોશિયલ મીડિયામાં મેસેજ પણ ફરતો કરવામાં આવતા હવે ભાર્ગવ નો મૃતદેહ વતન પરત ફરે તેની શક્યતાઓ વચ્ચે હાલ તો વલસાડ માં રહેતા મૃતક ના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.