આજકાલ દેશ માં મહિલાઓ ની સલામતી ચિંતા નો વિષય બન્યો છે અને છેડતી,બળાત્કાર જેવા બનાવો વધ્યા છે ત્યારે એક્સપ્રેસ ટ્રેનોમાં એકલી મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા માટે રેલવે દ્વારા ‘મેરી સહેલી’ યોજના હેઠળ હવે આવી એકલી મહિલા મુસાફરો માટે સુરક્ષા પુરી પાડવામાં આવશે, પ્રાયોગિક ધોરણે સુરત થઈ જતી મુંબઇ સેન્ટ્રલ-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને બાંદ્રા-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસમાં એકલી મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા માટે પાંચ આરપીએફ મહિલાકર્મી તૈનાત કરવામાં આવશે જેઓ એકલી મહિલા ને સુરક્ષા આપશે.આ પાંચ મહિલા સુરક્ષાકર્મીઓ માં
એક ઇન્સ્પેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર અને 3 લેડીઝ કોન્સ્ટેબલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષાની ડ્યુટી કરશે. ટીમ ટ્રેનના પ્રારંભિક રેલવે સ્ટેશનથી જ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એકલી મહિલાઓની પુરી ડિટેલ મેળવી લેશે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન રાખવા જોગ તકેદારી વિશે સમજાવશે.
આ ઉપરાંત રેલવે હેલ્પલાઇન નં.182ના ઉપયોગ અંગે પણ જાણકારી આપશે. ટીમ મુસાફરી દરમિયાન તમામ એકલી મહિલાઓના સંપર્કમાં રહેશે અને કોચમાં એસ્કોર્ટ પણ કરતી રહેશે. હાલ તો શરૂઆત હોઈ પ્રથમ તબક્કામાં મુંબઇ સેન્ટ્રલ-જયપુર સુપરફાસ્ટ અને પશ્ચિમ એક્સપ્રેસમાં આ સુવિધા શરૂ કરાશે. તબક્કાવાર રીતે મેરી સહેલી યોજના તમામ લાંબા અંતરની ટ્રેનમાં લાગુ કરાશે. આમ હવે ટ્રેન માં મહિલાઓ ને એકલા મુસાફરી કરવાની નોબત આવે તો સુરક્ષા મળતા તેઓ વિના વિઘ્નએ કે ડર વગર મુસાફરી કરી શકશે.
