વર્તમાન ગૃહ રાજ્ય મંત્રી એવા પ્રદિપ સિંહ જાડેજા વિરુદ્ધ આચાર સંહિતા ના ભંગ બદલ 2007માં મેટ્રોપોલિટન કોર્ટે તેમની સામે ફરિયાદ દાખલ કરવા થયેલા આદેશ ને પ્રદીપસિંહે હાઈકોર્ટમાં પડકારતા આજે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે આ ફરિયાદ રદ કરતા જાડેજા ને રાહત મળી છે.
અગાઉ વર્ષ 2007માં વિધાનસભા ચૂંટણીમાં પ્રદીપસિંહ જાડેજાએ અસારવા બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે 11 ડિસેમ્બર અને 16 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું હોવાથી રાજ્યમાં આચારસંહિતા લાગુ હતી તેવે સમયે નવરાત્રિ દરમિયાન 10 ઓક્ટોબરના રોજ અસારવા વિસ્તારમાં ગરબાના આયોજન દરમિયાન પ્રદીપસિંહ દ્વારા મુદ્રક અને પ્રકાશકના નામના ઉલ્લેખ વગરની પત્રિકાઓનું વિતરણ કરાવવામાં આવ્યું હતું, જેને કારણે તત્કાલીન શહેર કોંગ્રેસપ્રમુખ પંકજ શાહે પ્રદીપસિંહ સામે આચારસહિતાનો ભંગની ફરિયાદ કરી હતી. ચૂંટણી ચાલતી હોવા છતાં પ્રદીપસિંહે પ્રચાર કરતા પેમ્ફલેટ વેચ્યાં હતાં, જેમાં અસારવાના ધારાસભ્યના નામથી આપણું ગુજરાત, આપણું અસારવા નામે સ્લોગન લખ્યું હતું અને તેમાં નરેન્દ્ર મોદી અને પ્રદીપસિંહ જાડેજાનો ફોટો હતો. કલેક્ટરે ગંભીરતાથી નોંધ લઇને અસારવાની ચૂંટણીપંચની કચેરીને કોર્ટમાં અરજી કરવા આદેશ કર્યો હતો. ત્યાર બાદ 30 ડિસેમ્બરે મેટ્રોપોલિટન કોર્ટે પ્રદીપસિંહ જાડેજા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો જેની સામે જાડેજા હાઈકોર્ટ માં જતા ચાલી ગયેલા કેસ નો ચુકાદો પ્રદિપ સિંહ ની તરફેણ માં આવતા જાડેજા ને રાહત મળી છે.
