ગુજરાત સરકાર દ્વારા ડીએલએફ લિમિટેડને તેના આઇટી પાર્ક માટેના પ્રોજેક્ટને ગયા વર્ષે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ કોરોના સંક્રમણના કારણે કંપની પાર્કનું બાંધકામ શરૂ કરી શકી નથી પરંતુ દિવાળી પછી અથવા તો 2021માં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે. દિલ્હી સ્થિત રિયલ્ટી કંપની ડીએલએફ તરફથી દેશના વિવિધ શહેરોમાં આઇટી પાર્ક બનાવવામાં આવેલા છે તેની તર્જ પર ગાંધીનગરમાં પણ કંપની તેનો પાર્ક બનાવશે.
સ્પેશ્યલ ઇકનોમિક ઝોનનો આઇટી પાર્કનો પ્રોજેક્ટ ગાંધીનગરના ઇન્ફોસિટીની સામે શરૂ થવાનો હતો પરંતુ કંપનીએ 2008ના વર્ષમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પ્રોજેક્ટમાંથી ખસી જવાની વિનંતી કરી હતી. આ સમયે મંદીનું વાતાવરણ હોવાથી કંપની પ્રોજેક્ટ કરવા માગતી ન હતી. કંપનીએ 30,000 યુવાનોને નોકરી આપવાનું વચન આપ્યું હતું. આ સાથે કંપનીએ આઇટી પાર્ક બનાવીને બાકીની જમીનમાં કોમર્શિયલ તેમજ રેસિડેન્સિયલ યુનિટ્સ બનાવવાની વિનંતી પણ કરી હતી.
સરકારે 2013માં આ પ્રોજેક્ટને કંપનીની વિનંતીને માન્ય રાખી રદ કર્યો હતો પરંતુ કંપનીએ ફરીથી આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે 2019માં સરકારને વિનંતી કરી હતી. ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ડીએલએફ એ તેના પ્રોજેક્ટને રદ કરવાના સરકારના પગલાને મહેસૂલ વિભાગના વિશેષ સચિવ (વિવાદો) સમક્ષ પડકાર્યો હતો. કંપનીએ રિયલ એસ્ટેટ ડેવલપર ઓથોરિટીને કહ્યું હતું કે પ્રોજેક્ટમાં વિલંબનું કારણ હાઇટેન્શન વાયરની હાજરી અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના અધિકારીઓની મંજૂરીની આવશ્યકતા હતી.
હકીકત એ છે કે ડીએલએફને આ જમીન સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વિકસિત કરવા માટે મળી હતી પરંતુ કંપનીએ આઇટી પાર્ક બનાવવા માટે સરકારનો સંપર્ક કર્યો હતો. આ યોજના ત્યારે વિવાદમાં આવી હતી જ્યારે કોંગ્રેસના નેતાઓએ ઓછા દરે સરકારે કંપનીને જમીન આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ જમીન કંપનીને પ્રતિ ચોરસ મીટરના 5000 રૂપિયે આપવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ એ સમયે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રીએ ડીએલએફ કંપનીને સસ્તી જમીન આપી છે કે જ્યારે આ જમીનનો ભાવ પ્રતિ ચોરસમીટર 30,000 રૂપિયા હતો.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસ એમબી શાહની અધ્યક્ષતામાં બનેલા આયોગે જે તે સમયે ગુજરાત સરકારને ક્લિનચીટ આપી હતી અને સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો જેની સામે કંપની અપીલમાં ગઇ હતી. દેશના સૌથી મોટા રિયલ્ટી ડેવલપરે ગુજરાતમાં તેના પ્રોજેક્ટમાં 2.5 કરોડ સ્ક્વેરફીટ જગ્યા વિકસિત કરવા માટે 850 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાની યોજના બનાવી હતી. ઉલ્લેખનીય છે કે ડીએલએફ કંપનીએ શરૂઆતમાં 100 કરોડનો ખર્ચ કર્યો છે અને હવે 300 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવા જઇ રહી છે.
ઉદ્યોગ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ડીએલએફ કંપની આ પ્રોજેક્ટ 2020માં શરૂ કરવા માગતી હતી પરંતુ કોરોના સંક્રમણના કારણે આ વર્ષે કોઇ કામગીરી શરૂ થઇ શકી નથી પરંતુ ટૂંકસમયમાં કંપની આઇટી પાર્કનું બાંધકામ શરૂ કરશે તેવું કંપનીના સંચાલકોએ કહ્યું છે.