એક તરફ કોરોના ની હાડમારી વચ્ચે આવક ના સ્ત્રોત સામે મોંઘવારી આંટો લઈ ગઈ છે અને હાલ દિવાળી નજીક છે ત્યારે સિંગતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. તપાસ કરતા જાણવા મળ્યું કે હાલ માં જ ચીનમાં 30થી 35 હજાર ટન સિંગતેલની નિકાસ થતા ઘર આંગણે જ ભારત ના લોકો હવે કોરોના માં પણ વધુ ભાવ આપવા મજબૂર બન્યા છે.
છેલ્લા બે મહિનામાં સિંગતેલના ડબાના ભાવમાં રૂ.300થી 350 વધી ગયા છે. હાલ મોટાભાગના બ્રાન્ડના સિંગતેલના ભાવ ડબે રૂ.2500થી વધુ બોલાઈ રહ્યા છે. ગુજરાત મગફળીનું સૌથી મોટું ઉત્પાદક છે. ચાલુ વર્ષે રેકોર્ડ 21 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. પરંતુ ભારે વરસાદથી ઉત્પાદન માત્ર 32-35 લાખ ટન આસપાસ રહેતા એક કારણ એ પણ છે.
ગત વર્ષે આ સમયે મગફળીના ભાવ મણદીઠ 850થી 950 હતા પરંતુ આ વર્ષે રૂ.1 હજારથી 1150 સુધી બોલાઈ રહ્યા છે. આમ મગફળીના ભાવમાં માત્ર 10 ટકા વધારો થયો છે પરંતુ તેની સામે સિંગતેલના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. મગફળીની આવક પણ ગત વર્ષની સરખામણીએ 20થી 25 ટકા ઓછી છે. રાજ્યમાં અત્યારે દૈનિક અંદાજે 4 લાખ બોરી મગફળીની આવક થઈ રહી છે.
54 લાખ ટન મગફળીના પાકનો સરકારી અંદાજ ખોટો પડશે
ગુજરાતમાં 21 લાખ હેક્ટરમાં વાવેતર થતાં સરકારે ચાલુ વર્ષે મગફળીના પાકનો એડવાન્સ અંદાજ 54.65 લાખ ટન મુક્યો છે. પરંતુ નિષ્ણાતોના મતે ઉત્પાદન 35 લાખ ટનની અંદર જ રહેશે.
સૌથી વધુ સિંગતેલનું ઉત્પાદન ગુજરાત કરતું હોવાછતાં ભાવ સતત વધી રહ્યાં છે જેનું કારણ ચીનમાં મોટાપાયે થઈ રહેલી નિકાસ છે. ગત વર્ષે ચીનમાં સિંગતેલની નિકાસ 50-55 હજાર ટન જેટલી થઈ હતી પણ આ વર્ષે વધીને એક લાખ ટને પહોંચવાનો અંદાજ છે. આમ ચીન માં નિકાસ થઈ રહી છે જેથી બંને દેશ વચ્ચે વેપાર ચાલુ હોવાની વાત ને સમર્થન મળી રહ્યું છે.
