નવસારી સિવિલ હોસ્પિટલ ની યુવાન નર્સ મેઘા આચાર્ય ના ચકચારી આપઘાત પ્રકરણમાં દુષ્પ્રેરણા આપનાર સિવિલ સર્જન અને બે નર્સ સહિત પતિ અને સાસુ મળી પાંચ સામે જાતીય સતામણીનો અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસ હવે આગળ ની તપાસ કરી રહી છે , મેઘાએ લખેલી સુસાઈડ નોટ માં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે તેને મોટી ઉંમર ના કાકા એવા સર્જન ડો. અવિનાશ દુબે સાથે ફિઝિકલ રિલેશન માટે મજબૂર કરવામાં આવતી હોવાનું જણાવ્યું છે.
નવસારીના સિવિલ હોસ્પિટલમાં કામ કરતી મેઘા આચાર્ય (ઉં.વ. 27)એ કોરોના વોરિયર્સની જવાબદારી વહન કરતાં કોરોનાગ્રસ્ત પણ થઈ હતી અને ત્યાર બાદ પોતાને થયેલા થાઈરોઈડ બાબતે તબીબને બતાવવા ઉપરી મેટ્રન પાસે રજા માગતા રજા ન આપી જાહેરમાં અપમાન કરતાં હતાં. ઉપરાંત ઘણા સમયથી મેટ્રન તારા ગામીત અને વનિતા પટેલ દ્વારા મેઘાને પિતાની ઉંમર ના સિવિલ સર્જન ડો.અવિનાશ દુબે સાથે શરીરસંબંધ બાંધવા દબાણ થતા અતિશય ટોર્ચર નો ભોગ બનેલી મેઘા એ આખરે જીવન થી હારી જઇ તા. 21મી ઓકટોબરની મધરાત્રે પોતાના બેડરૂમમાં આપઘાત કરી લીધો હતો અને છ પાનાંની સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં તેણે પોતાની વ્યથા રજૂ કરી છે.
આજકાલ નોકરી સ્થળે સ્ટાફ માં આવું પોલિટીક્સ સામાન્ય બની ગયું છે અને પોતાના સપના લઈને આવતી નવી આવતી યુવતીઓ ને આજ પ્રકારના અનુભવો માંથી પસાર થવું પડતું હોય છે જો સહન કરે તોય તકલીફ અને ન કરે તો નોકરી છોડવી પડે તેવી સ્થિતિ સર્વ સામાન્ય બની રહી છે જે એક ચિંતા જનક બાબત છે.
